કપિલ દેવની આગેવાની હેઠળની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)એ શુક્રવારે હેડ કોચની જાહેરાત કરી છે ત્યારે આ તરફ બીસીસીઆઇની પસંદગી પેનલે બોલિંગ કોચ માટે વેંકટેસ પ્રસાદ અને ઇંગ્લેન્ડના માજી ઝડપી બોલર ડેરેન ગોફની સાથે કુલ 7 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા છે. આ તમામના ઇન્ટરવ્યુ આગામી 19 ઓગસ્ટના રોજ અહીં આવેલા બીસીસીઆઇના હેડક્વાર્ટરમાં લેવાશે.
બીસીસીઆઇની પસંગગી પેનલે બોલિંગ કોચ માટે શોર્ટલિસ્ટ કરેલા 7 ઉમેદવારોમાં પ્રસાદ અને ગોફ ઉપરાંત લંડન સ્થિત ઝડપી બોલિંગ કોચ સ્ટીફન જોન્સ, ભારતના માજી બોલર સુબ્રતો બેનર્જી, અમિત ભંડારી, પારસ મહામ્બ્રે અને સુનિલ જોશીનો સમાવેશ થાય છે. આ સિવાય ટીમ ઇન્ડિયાના હાલના બોલિંગ કોચ ભરત અરુણ પહેલાથી જ આ દાવેદારોમાં સામેલ છે. જે વિદેશી ઉમેદવાર છે તેમને વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાનુ પ્રેઝન્ટેશન આપવાની સુવિધા અપાશે. પ્રેઝન્ટેશનથી સમય મર્યાદા 20 મિનીટ અથવા તેનાથી વધુ રહેશે.