બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી શૂટિંગને બાકાત કરાતા હવે ઓસ્ટ્રેલિયા પણ આ કોમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કરે તેવી સંભાવના ઊભી થઇ છે. શૂટિંગને બાકાત કરવાની પહેલીવાર જાહેરાત થઇ હતી તે સમયે જ ભારતે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સના બબિષ્કારની ધમકી ઉચ્ચારી હતી, જો કે તે છતાં મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને શૂટિંગની બાદબાકી કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી અને તેના કારણે ઓસ્ટ્રેલિયાના ગન ઇન્ડસ્ટ્રી ગ્રુપ તેમજ શૂટર્સ યૂનિયને આ ગેમ્સનો બહિષ્કાર કરવાની માગ ઉઠાવી છે.
શૂટર્સ યૂનિયન ઓસ્ટ્રેલિયા (એસયૂએ) એક લોબી છે જે ઓસ્ટ્રેલિયાના હજારો ગન માલિકો અને લોકોનું પ્રતિનિધિત્વ કરતું હોવાનો દાવો કરે છે અને તે અમેરિકામાં નેશનલ રાઇફલ એસોસિએશન સાથે સંબંધિત છે. એસયૂએના અધ્યક્ષ ગ્રેહામ પાર્કે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગનો ફરી સમાવેશ કરવાની માગ મામલે ભારતની સાથે ઊભા રહેવું જોઇએ. જો તેઓ એમ નહીં કરે તો એ ગેમ્સના બહિષ્કારની તૈયારી પણ રાખવી જોઇએ.