ભારતીય ટીમના વેસ્ટઇન્ડિઝ પ્રવાસની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડે આવતીકાલે બુધવારે અહીં રમાશે ત્યારે ભારતીય ટીમના ઓપનર શિખર ધવનની નજર એક મોટી ઇનિંગ રમવા પર હશે, જ્યારે ટીમ ઇન્ડિયાની નજર ટી-20 સિરીઝ બાદ વન-ડે સિરીઝ પણ જીતવા પર મંડાયેલી હશે. ટી-20 સિરીઝમાં 1, 23 અને 3 રનની ઇનિંગ રમ્યા પછી ધવન બીજી વન-ડેમાં માત્ર બે રન બનાવી શક્યો હતો.
શિખર ધવન ટેસ્ટ ટીમનો હિસ્સો નથી તેથી તે વેસ્ટઇન્ડિઝ પ્રવાસની પોતાની છેલ્લી ઇનિંગને યાદગાર બનાવવા માગશે. આ તરફ ભારતીય ટીમમા ચોથા ક્રમ માટે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે બીજી વન-ડેમાં 71 રનની ઇનિંગ રમીને શ્રેયસ ઐય્યરે પોતાનો દાવો મજબૂત કર્યો છે. જો કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ટીમ મેનેજમેન્ટ અને ખાસ તો કેપ્ટન કોહલીનું સમર્થન છે, ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે જો શ્રેયસ ઐય્યરને ચોથા ક્રમે ઉતારાશે તો પંતને કયા નંબરે ઉતારાશે. પંતની માનસિકતા ચિંતાનો વિષય છે અને ચોથા ક્રમે થોડા ધૈર્યવાન બેટ્સમેનની જરૂર હોવાથી ઐય્યર તેના પર યોગ્ય જણાય છે.
ભારતીય ટીમનું બોલિંગ આક્રમણ મજબૂત જ છે, જો કે ત્રીજી વન-ડેમાં તેમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે, અને વિરાટ કોહરલી મહંમદ શમીને આરામ આપીને તેના સ્થાને ટીમમાં યુવા ઝડપી બોલર નવદીપ સૈનીનો સમાવેશ કરી શકે છે. આ તરફ વેસ્ટઇન્ડિઝની ટીમ બુધવારે રમાનારી મેચ જીતીને સિરીઝ બરોબરી પર મુકવા આતુર હશે. ભારતીય ટીમને હરાવવા માટે વિન્ડીઝના બેટ્સમેનોએ જવાબદારીપૂર્વક રમવું પડશે. તેની પાસે શાઇ હોપ, શિમરોન હેટમાયર અને નિકોલસ પૂરન જેવા પ્રતિભાશાળી બેટ્સમેન છે, પણ તેઓ આશા અનુસાર પ્રદર્શન કરી શક્યા નથી.