C.R. Patil બિલાવલ ભુટ્ટોના વિવાદાસ્પદ નિવેદન પર C.R. પાટીલનો કડક પ્રત્યાઘાત,હિંમત હોય તો અહીં આવો
C.R. Patil પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક પગલાં લીધા છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, જેને લઈને પાકિસ્તાનમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ આ નિર્ણય પછી વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું કે જો પાણી રોકાશે તો નદીઓમાં લોહી વહેશે. ભુટ્ટાના આ નિવેદન પર ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તીખો જવાબ આપતા જણાવ્યું કે, “જો તમારામાં હિંમત હોય તો અહીં આવો.”
સીઆર પાટીલે સુરતમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન તરફ જઈ રહેલું પાણી રોકવાનો નિર્ણય કર્યો ત્યાર બાદ પાકિસ્તાન બબડવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, “ભુટ્ટા જેવી ધમકીભરી ભાષાનો ભારતને કોઈ ભય નથી. જો કોઇ પોતાના દેશની અંદરની અસ્થિરતાને ઢાંકવા માટે આવી ભાષા વાપરે છે, તો તેને લોકોએ જ જવાબ આપવો જોઈએ.”
ભુટ્ટાએ જણાવ્યું હતું કે સિંધુ નદી પાકિસ્તાનની છે અને તેમાં કે તો તેમનું પાણી રહેશે નહિ તો ભારતમાં લોહી વહેશે. આ નિવેદનને ભારતે ખૂબ ગંભીરતાથી લીધું છે. સી.આર. પાટીલે એમ પણ સ્પષ્ટ કર્યું કે ભારત પોતાનું પાણી બચાવવાના સંપૂર્ણ હક પર અડગ છે અને એ માટે જે યોગ્ય નિર્ણય લેવાશે તે લેવામાં આવશે.
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર ઘણા પગલાં લીધા છે – અટારી-વાઘા બોર્ડર બંધ કરી દેવાઈ છે, વિઝા ઉપર પ્રતિબંધ મૂકાયો છે અને પાકિસ્તાનની અનેક યૂટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. પાકિસ્તાનના આક્ષેપો અને ધમકીઓથી ભારત ડરતું નથી અને દેશની સુરક્ષા અને હિત માટે કડક પગલાં લેવાનું ચાલુ રાખશે.