Gold Price High: દુનિયાભરમાં સોનાના ભાવ કેમ વધી રહ્યા છે? જાણો સાચું કારણ
Gold Price High: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વ પર વ્યાજ દર ઘટાડવા દબાણ કર્યા બાદ યુએસ ડોલર ત્રણ વર્ષના તળિયે પહોંચી ગયો છે. આ કારણે, વૈશ્વિક રોકાણકારો અમેરિકન શેરબજારમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે, જેના કારણે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે.
વૈશ્વિક અનામત ચલણ પર પણ દબાણ
ટ્રમ્પે ફેડના ચેરમેન જેરોમ પોવેલની ટીકા કરી અને તેમના પર ફેડની સ્વતંત્રતા માટે જોખમનો આરોપ લગાવ્યા બાદ ડોલર પર દબાણ વધુ વધ્યું. આના કારણે ડોલર માર્ચ 2022 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો. પાછલા વર્ષોમાં ડોલરની માંગ વધી હતી, પરંતુ હવે યુએસ ટેરિફ નીતિએ વૈશ્વિક બજારોને અસ્થિર બનાવ્યા છે અને રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવી દીધો છે.
શેરબજાર અને ડોલર બંને ઘટ્યા
આ વર્ષે જાન્યુઆરીથી યુએસ શેરબજારમાં લગભગ ૧૧%નો ઘટાડો થયો છે, જ્યારે યુએસ ડોલરમાં પણ ૯%થી વધુનો ઘટાડો થયો છે. ડોલર ઇન્ડેક્સ ૯૭.૯૨ ના સ્તર પર આવી ગયો છે. સ્વિસ ફ્રેંક સામે ડોલર એક દાયકાના નીચલા સ્તરે ગબડી ગયો, જ્યારે યુરો ત્રણ વર્ષની ટોચે પહોંચ્યો. ડોલર સામે ભારતીય રૂપિયો પણ મજબૂત થયો, જે ૮૭.૯૯ ના સર્વકાલીન નીચા સ્તરથી સુધરીને ૮૫ પ્રતિ ડોલર થયો.
સોનામાં ભારે રોકાણ
ડોલરની સંપત્તિમાં ઘટતા વિશ્વાસને કારણે, રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે સોના તરફ વળ્યા છે. પરિણામે, આ વર્ષે સ્થાનિક અને વિદેશી બજારોમાં સોનાના ભાવમાં અત્યાર સુધીમાં 30% થી વધુનો વધારો થયો છે.