Nishikant Dubey: 5 લાખથી વધુ પાકિસ્તાની ભારતમાં રહે છે
Nishikant Dubey પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર ભાવનાઓ જોવા મળી રહી છે. આવા સમયે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ યુદ્ધ ટાળવાની વાત કરતાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાન સાથે યુદ્ધની કોઈ જરૂર નથી.” તેમના આ નિવેદન બાદ ભાજપે તીવ્ર પ્રતિક્રિયા આપતી વિપક્ષ પર દેશદ્રોહના સંકેત આપ્યા છે.
ભાજપના આગેવાન અને સાંસદ નિશિકાંત દુબેએ સીધા કોંગ્રેસ અને સિદ્ધારમૈયા પર હુમલો કરતા કહ્યું કે, “દેશના લોકો જાણે કે સિદ્ધારમૈયા દેશભક્ત છે કે દેશદ્રોહી.” તેમણે દાવો કર્યો કે ભારતમાં 5 લાખથી વધુ પાકિસ્તાની મૂળના લોકો રહે છે, જેમાં ઘણીઓએ અહીં લગ્ન કર્યા છે, નાગરિકતા નથી મેળવેલી અને તેઓ આતંકવાદ માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ બની શકે છે.
દુબેએ કહ્યું, “વાઘા બોર્ડર પર શું ચાલે છે એ બધું દેખાય છે. પાકિસ્તાની છોકરીઓ અહીં રહે છે, અને ત્યાંથી છોકરાઓ લગ્ન માટે આવે છે.” તેમણે દાવો કર્યો કે પાકિસ્તાની વ્યક્તિઓ દ્વારા અહીં લગ્ન થવાથી આતંકવાદનો એક નવો ચહેરો ઉભો થયો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે દાઉદ ઇબ્રાહિમની પુત્રીના લગ્ન જાવેદ મિયાંદાદના પુત્ર સાથે થયા હતા, યાસીન મલિકે પણ પાકિસ્તાની મૂળની મહિલાથી લગ્ન કર્યા હતા અને સાનિયા મિર્ઝાના શોએબ મલિક સાથેના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો.
આ નિવેદનોની સાથે, દુબેએ કેન્દ્ર સરકારના પગલાંની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાન સામે ભારતે કડક પગલાં લીધા છે – જેમાં સિંધુ જળ સંધિનો અને ટૂંકા ગાળાના વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોને 27 એપ્રિલ, 2025 સુધીમાં દેશ છોડવાનો આદેશ સામેલ છે.
દુબેના આ નિવેદનોએ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ગરમાગરમી જગાવી છે. કેટલાક લોકો તેમના નિવેદનને દેશભક્તિ તરીકે જોઈ રહ્યા છે તો કેટલાક તેને જાતિ અને નાગરિકતાના આધારે વિભાજન ફેલાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.