ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ એટીપી મોન્ટ્રીયલ માસ્ટર્સની સેમી ફાઇનલમાં પહોંચવાને કારણે સોમવારે જાહેર થયેલા રેન્કિંગમાં 7 ક્રમની લાંબી છલાંગ લગાવીને પુરૂષ ડબલ્સ રેન્કિંગમાં પોતાના કેરિયર બેસ્ટ 39માં ક્રમે પહોંચી ગયો છે, જે છેલ્લા 14 અઠવાડિયામાં તેની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ રહી છે. બોપન્ના અને તેનો જોડીદાર ડેનિસ શાપોવાલોવ મોન્ટ્રીયલ માસ્ટર્સની સેમી ફાઇનલમાં હારી ગયા હતા. જો કે તે છતાં તેમને રેન્કિંગમાં ફાયદો થયો છે.
આ સિવાય પુરૂષ ડબલ્સમાં દિવિજ શરણ 47માં, લિએન્ડર પેસ 71માં સ્થાને જળવાઇ રહ્યા છે. જીવન નેદુચેઝિયન એક ક્રમ નીચે ઉતરીને 85માં તો પૂરવ રાજા પણ એક ક્રમ નીચે ઉતરીને 86માં ક્રમે પહોંચ્યો છે. પુરૂષ સિંગલ્સમાં પ્રજનેશ ગુણેશ્વરન એક ક્રમ નીચે ઉતરીને 91માં ક્રમે પહોંચ્યો છે. જ્યારે સાકેત માયનેની 21 ક્રમ ઉપર ચઢીને 250માં સ્થાને પહોંચ્યો છે. મહિલા સિંગલ્સમાં અંકિતા રૈના બે ક્રમ નીચે ઉતરીને 197માં ક્રમે પહોંચી છે.