ભારતીય ટીમના માજી કેપ્ટન અને ગુજરાત મિત્રના કોલમિસ્ટ સુનિલ ગાવસ્કરનું માનવું છે કે ઋષભ પંતની સરખામણીએ શ્રેયસ ઐય્યર વન-ડે ઇન્ટરનેશનલમાં ચોથા ક્રમ માટે બહેતર વિકલ્પ છે અને ભારતીય વન-ડે ટીમના મિડલ ઓર્ડરમાં તેને કાયમી સ્થાન મળવું જોઇએ. એક વર્ષ પછી ટીમમાં સ્થાન મેળવનારા ઐય્યરે રવિવારે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટઇન્ડિઝ સામે 68 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી.
ઐય્યર ચોથા ક્રમનો દાવેદાર છે, જો કે ટીમ મેનેજમેન્ટ હાલમાં એ ક્રમે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને તક આપી રહ્યું છે. ગાવસ્કરે એક ટીવી ચેનલ પર કહ્યું હતું કે મારી દૃષ્ટિએ પંત મહેન્દ્ર સિંહ ધોનીની જેમ પાંચમા કે છઠ્ઠા સ્થાને ફિનીશર તરીકે વઘુ બહેતર છે, કારણકે ત્યાં જ તે પોતાની નેચરલ ગેમ રમી શકશે. ગાવસ્કરે સાથે જ કહ્યું હતું કે જો રોહિત-ધવન અને વિરાટ ભારતને સારી શરૂઆત અપાવીને 40-45 ઓવર સુધી બેટિંગ કરે છે તો પંત ચોથા ક્રમે યોગ્ય છે પણ જો 30-35 ઓવર સુધી બેટિંગ કરે તો મારા મતે ઐય્યર ચોથા અને પંતને પાંચમા ક્રમે ઉતારવો જોઇએ.