Illegal Bangladeshi Detained: ગુજરાતમાં 1534 બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન
Illegal Bangladeshi Detained: દેશભરમાં ગેરકાયદેસર વિદેશી નાગરિકો સામે કાર્યવાહી ઝડપ પકડી રહી છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ તત્કાળ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં 1534 બાંગ્લાદેશી પકડાયા
ગુજરાત પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, રાજ્યમાંથી અત્યાર સુધીમાં કુલ 1534 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અમદાવાદમાંથી સૌથી વધુ 890 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. સુરતમાં 134 બાંગ્લાદેશી ઝડપાયા છે, જ્યારે વડોદરામાંથી 500 અને રાજકોટમાંથી 10 બાંગ્લાદેશીઓને કબ્જે લેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમામ લોકો નકલી દસ્તાવેજોનો સહારો લઇને ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા. પોલીસ ટીમોએ તેમની ઓળખ સચોટ દસ્તાવેજ ચકાસણી અને ઓળખ પ્રક્રિયા દ્વારા કરી છે.
અમદાવાદમાં ખાસ તપાસ, 50 બાંગ્લાદેશીઓની ઓળખ
ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલી વિશિષ્ટ તપાસ દરમિયાન અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં છુપાયેલા 50 બાંગ્લાદેશી નાગરિકો હોવાની હકીકત બહાર આવી છે. થોડા સમય પહેલાં ચંડોલા તળાવ વિસ્તારમાં પણ 800 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ કરવામાં આવી હતી, જેમાંથી ઘણા બધા લોકો બાંગ્લાદેશી હોવાનું પુષ્ટિ થયું હતું.
મધ્યરાત્રે દરોડા અને સેન્ટ્રલ IBની એન્ટ્રી
શનિવારની મધ્યરાત્રિએ પોલીસ દળોએ એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા અને આશરે 1000 થી વધુ લોકોની અટકાયત કરી. હવે આ મામલે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરોએ પણ તપાસની કામગીરી શરૂ કરી છે અને વિસ્તૃત માહિતી એકઠી કરી રહી છે.
ગૃહ રાજ્યમંત્રીએ ચેતવણી આપી
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રાજ્યમાં જે બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકો ગેરકાયદે રીતે વસવાટ કરે છે, તેઓ તરત જ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરે. અન્યથા તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે જે સ્થાનિક લોકો બાંગ્લાદેશીઓને આશરો આપે છે અથવા ખોટા દસ્તાવેજો બનાવવામાં મદદ કરે છે, તેમની વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવશે.
કોમર્શિયલ દસ્તાવેજોની પણ ચકાસણી
હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે ગુજરાતભરમાં નકલી દસ્તાવેજો કે રહેણાંક પ્રમાણપત્રો ધરાવનાર વિદેશી નાગરિકોની વિગતો એકત્રિત કરીને તેમની સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આપ્યો મહત્વનો આદેશ
આ સમગ્ર કાર્યવાહી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ અનુસાર શરૂ કરવામાં આવી છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી, તેમણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને સુચના આપી હતી કે તેમના રાજ્યમાં રહેલા ગેરકાયદેસર વિદેશી નાગરિકોની તાત્કાલિક ઓળખ કરી, તેમને પોતાના મૂળ દેશોમાં પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરે.