Vaishno Devi Security Breach: વૈષ્ણો દેવી માર્ગ પર સુરક્ષામાં ગંભીર ક્ષતિ, ખોટી ઓળખ સાથે પોની સર્વિસ ચલાવતો શખ્સ ઝડપાયો
Vaishno Devi Security Breach જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલ શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર શ્રદ્ધાળુઓની સુરક્ષામાં ગંભીર ક્ષતિ સામે આવી છે. પોની સેવા આપતા એક શખ્સે ખોટી ઓળખ આપી અધિકૃત સર્વિસ કાર્ડનો દુરુપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ, ગીતા માતા મંદિર નજીક થયેલા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવ્યો હતો, જેણે પોતાનું નામ પૂરણ સિંહ જાહેર કર્યું હતું. પરંતુ વધુ પૂછપરછમાં ખુલ્યું કે તેનું સાચું નામ મનીર હુસૈન છે.હુસૈન બીજાના અધિકૃત દસ્તાવેજોનો ઉપયોગ કરીને પોની સર્વિસ પ્રોવાઈડર તરીકે કામ કરી રહ્યો હતો. આ મામલે કટરા પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એટલું જ નહીં, આવા જ બીજા કિસ્સામાં બાણગંગા પુલ નજીક પોલીસે સાહિલ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, જે કોઈ માન્ય લાઇસન્સ વિના પોની સર્વિસ ચલાવી રહ્યો હતો. સાહિલ પણ જમ્મુ જિલ્લાના કોટલીનો રહેવાસી છે. તેણે સ્વીકાર્યું છે કે તેની પાસે કોઈ પરવાનગી નથી.
પોલીસ વિભાગે મંદિર યાત્રા માર્ગ પર અવ્યવસ્થિત પ્રવૃત્તિઓ અટકાવવાના ભાગરૂપે ચાંપતી નજર અને ચકાસણી અભિયાન ચાલુ રાખવાની ઘોષણા કરી છે. સેવા પ્રદાતાઓને માન્ય દસ્તાવેજો સાથે રાખવાની અપીલ કરવામાં આવી છે અને યાત્રાળુઓને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોાય તો તરત જાણ કરવા વિનંતી કરાઈ છે.
આજની સ્થિતિમાં, સુરક્ષા એ સૌથી મોટી જવાબદારી છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો – સોમનાથ, દ્વારકા અને અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ પોલીસને હાઇ અલર્ટ પર રાખવામાં આવી છે કારણ કે ગુજરાત પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું છે. પોલીસ તંત્ર હર સ્થિતિ માટે તૈયાર રહે તેવી વ્યવસ્થા કરાઈ છે.