Mukesh Ambaniએ પહેલગામ આતંકવાદી હુમલાના ઘાયલોને મદદ કરી, રિલાયન્સ હોસ્પિટલમાં મફત સારવારની ઓફર કરી
Mukesh Ambani: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા લોકોને મફત સારવાર આપવાની ઓફર કરી. તેમણે કહ્યું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ ઘાયલોને મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન સર HN હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે.
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી. આ હુમલામાં લગભગ 20 અન્ય લોકો ઘાયલ થયા હતા. અંબાણીએ કહ્યું કે, 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીયોના મોતના શોકમાં હું રિલાયન્સ પરિવારના તમામ સભ્યો સાથે જોડાઉ છું.
મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
તેમણે કહ્યું કે, અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઘાયલોને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે, મુંબઈમાં અમારી રિલાયન્સ ફાઉન્ડેશન સર એચએન હોસ્પિટલ તમામ ઘાયલોને મફત સારવાર પૂરી પાડશે. અંબાણીએ કહ્યું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે.
તેમણે કહ્યું કે, કોઈએ પણ આનું કોઈપણ રીતે સમર્થન ન કરવું જોઈએ. આતંકવાદના ખતરા સામેની નિર્ણાયક લડાઈમાં અમે આપણા પ્રધાનમંત્રી, ભારત સરકાર અને સમગ્ર રાષ્ટ્રની સાથે ઉભા છીએ.
સરકારે કડક પગલાં લીધા છે
પહેલગામ આતંકવાદી હુમલાની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાની પ્રતિજ્ઞા લીધી છે. ભારત સરકારે કાશ્મીર ખીણમાં સુરક્ષા કડક કરવી, સિંધુ જળ સંધિ સ્થગિત કરવી અને પાકિસ્તાની નાગરિકોને ભારત છોડી દેવા સહિતના અનેક પગલાં લીધાં છે.
આ હુમલામાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ભારતીય નૌકાદળના એક નવપરિણીત અધિકારી સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.