Pahalgam terror attack : પહેલગામ આતંકી હુમલો: ત્રણ ગુજરાતીઓને ગુમાવ્યા બાદ શોકમાં ડૂબ્યું રાજ્ય, શ્રદ્ધાંજલિ કાર્યક્રમોથી લઈને પાકિસ્તાન વિરોધી પ્રદર્શન સુધી ઉગ્ર પ્રતિક્રિયા
Pahalgam terror attack : 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકીઓના હુમલામાં 27 નિર્દોષ પ્રવાસીઓ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગુજરાતના ત્રણ નાગરિકો – સુરતના શૈલેશ કળથીયા અને ભાવનગરના યતીષ પરમાર તથા તેમના પુત્ર સ્મિત પરમાર પણ શહીદ થયા હતા. સમગ્ર દેશ સાથે ગુજરાત પણ આ ઘટના સામે દુખ અને રોષમાં ડૂબી છે.
મૃતદેહો ગુરુવારના રોજ રાત્રે વતન પરત આવ્યા બાદ, ગુરુવાર સવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાજ્યભરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભાઓ અને વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે.
સુરતમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને શોકસભા
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બેંક ઓડિટોરિયમ ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, જય જવાન નાગરિક સમિતિ અને અન્ય સામાજિક સંસ્થાઓએ હાજરી આપી. ઉપસ્થિત તમામ લોકોએ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સભામાં શહીદ થયેલા પ્રવાસીઓને રાષ્ટ્ર માટેના યાત્રિક ગણાવી, આ ઘટનાને ભારત ઉપરનો સીધો હુમલો ગણાવાયો. લોકોમાં આંતકવાદ અને તેની પાછળ રહેલા દેશ – ખાસ કરીને પાકિસ્તાન વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો.
નવી સિવિલ હોસ્પિટલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ
સુરતની નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ કાઉન્સિલ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. કાઉન્સિલના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ આતંકી હુમલાની નિંદા કરતા જણાવ્યું કે, “આ ઘટના આપણા રાષ્ટ્રની એકતા અને શાંતિને પડકાર આપવા માટે રચાયેલી ઘીનાઉની હરકત છે.”
ABVPનો ઉગ્ર વિરોધ – પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાનો દહન
આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી બહાર ABVPના કાર્યકરો દ્વારા પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાનું દહન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. “પાકિસ્તાન મુર્દાબાદ” અને “આતંકવાદનો નાશ કરો” જેવા નારાઓ સાથે યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. ABVPએ કેન્દ્ર સરકાર પાસે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈકની માંગ પણ કરી છે, જેથી આતંકવાદને મૂળથી નાબૂદ કરી શકાય.
મનુષ્યતા સામે હુમલો, રાષ્ટ્ર માટે એક થવાની ઘડી
આ ઘટનાએ સમગ્ર દેશને ફરી એકવાર આતંકના ભયાનક ચહેરા સાથે રૂબરૂ કરાવ્યા છે. જ્યારે નિર્દોષ પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે કાશ્મીરના સૌંદર્યનો આનંદ લઈ રહ્યા હતા, ત્યારે અત્યંત અમાનવીય રીતે તેમના સપનાઓ છીનવાઈ ગયા. હવે સમય છે કે આખો દેશ એક થઈને આંતકવાદ સામે મજબૂત અવાજ ઊભો કરે.
આવી હૃદયવિદારી ઘટનાઓમાં એકજૂટ રહેવું અને શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને સાચી શ્રદ્ધાંજલિ આપવી એ આપણા સૌના ધર્મ સમાન છે.