Pahalgam Terror Attack 27 એપ્રિલ સુધીમાં પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ, ભારતીય નાગરિકોને પાછા ફરવાની સલાહ
Pahalgam Terror Attack પહેલગામમાં થયેલા અત્યંત દૂષિત આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં વિઝા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કર્યું છે કે 27 એપ્રિલ, 2025થી ભારતે પાકિસ્તાની નાગરિકોને જારી કરેલા તમામ વિઝા રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે મેડિકલ વિઝા ધરાવનારા પાકિસ્તાની નાગરિકો માટે થોડો ઢીલ આપતાં તેમને 29 એપ્રિલ, 2025 સુધી ભારત છોડવાની મુદત અપાઈ છે.
મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે “વિઝાની મુદત પૂર્વે જ બધાં પાકિસ્તાની નાગરિકોએ ભારત છોડવું જરૂરી છે. દેશમાં રહેલા લોકોને આ માહિતીનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.”
સાથે સાથે, ભારત સરકારે પોતાના નાગરિકોને પણ ચેતવણી આપતી સલાહ જારી કરી છે. વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે હાલ પાકિસ્તાનમાં રહેલા તમામ ભારતીય નાગરિકોએ શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા ફરવું જોઈએ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ નવી મુસાફરી ટાળવી જોઈએ.
આ પગલાં, પહેલગામમાં 28 નિર્દોષ લોકોના મૃત્યુ પછી લેવામાં આવ્યા છે, જેમાં ભારતીય વાયુસેનાના જવાનો અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ પણ શહીદ થયા છે. પાકિસ્તાન પર આ હુમલાનું દોષારોપણ કરવામાં આવ્યુ છે અને ભારત સરકારે આના જવાબમાં નિષ્ણાત સ્તરે પગલાં લેવાનું શરૂ કર્યું છે.
આ નિર્ણય સાથે ભારતે પાકિસ્તાન સામે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંક સામે હવે કડક વલણ અપનાવાશે. આ પગલાં રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષા સ્તરે મહત્વપૂર્ણ માની શકાય.