Pahalgam Terrorist Attack : પહેલગામ આતંકી હુમલો: “હું 10 ફૂટ દૂર ઊભો હતો, આતંકીએ મારી સામે જોયું પણ બચી ગયો” – ઘટનાનું જીવંત વર્ણન આપતાં સાર્થક નાથાણી
Pahalgam Terrorist Attack : 22 એપ્રિલ, 2025ના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં જ્યારે આખો દેશ હચમચી ગયો, ત્યારે ભારતના ગુજરાત રાજ્યના ત્રણ પરિવારો માટે તો એ દિવસ કાળરૂપે આવી રહ્યો હતો.
આ હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્ર યતીશ પરમાર અને સ્મિત પરમારના અંતિમ સંસ્કાર વખતે ભાવનગર શહેરમાં ગમગીન વાતાવરણ ફેલાઈ ગયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે હાજરી આપી, જ્યારે ત્યાં હાજર સાર્થક નાથાણીએ એકલેખ આતંકી હુમલાનું રૃદયવિદ્રાવક વર્ણન કર્યું.
સાર્થકનો જીવંત અનુભવ: “મારા સામે આતંકી ઊભો રહ્યો, પણ હું દિવાલ પાછળ છૂપાઈ ગયો”
સાર્થક, જે મૃતક સ્મિતના મામાના દીકરા છે, એ ઘટનાની ઘડીઓ યાદ કરતાં ગંભીર થઈ જાય છે. મુખ્યમંત્રીના સમક્ષ વાત કરતાં તે કહે છે:
“સાહેબ, અમે બધા ઘોડા પર સવાર હતાં, આગળ જઈ રહ્યાં હતાં ત્યારે અચાનક ગોળીબાર શરૂ થયો. સ્મિત થોડો આગળ ઊભો હતો – કદાચ તેને સમજવા માટે થોભવું પડ્યું હશે… ત્યારે એક આતંકી ખૂબ નજીક આવ્યો અને સીધું ગોળી મારી નાખી.”
સાર્થક કહ્યું કે તે સમયે તે આશરે 10 ફૂટ જેટલા અંતરે ઊભો હતો. તેના કહેવા મુજબ આતંકીએ તેની દિશામાં પણ નજર કરી હતી:
“આતંકીએ મારી સામે જોયું, આંખ મિલાવી. પણ એ ઘડી જ મેં દિવાલ પાછળ પોતાને છૂપાવી દીધો, એટલે કદાચ એ મારી નજર છોડીને આગળ વધી ગયો…”
“300થી વધુ લોકો વચ્ચે એક પણ આર્મી જવાન નહોતો”
સાર્થકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્પષ્ટ કર્યું કે ઘટનાસ્થળે 300થી વધુ પ્રવાસીઓ હાજર હતાં, પણ આસપાસ ક્યાંય પોલીસ કે આર્મીનો અતોપતો નહોતો:
“સાહેબ, એમ પણ કહેવાય કે ન્યુટ્રલ ઝોન હોય, પણ આટલાં મોટા ટુરિસ્ટ પોઈન્ટ પર પણ રક્ષણ ન હોય તો લોકો કેવી રીતે સુરક્ષિત ભાસે?”
તેણે ઉમેર્યું કે જ્યારે ઘટના બની ત્યાર બાદ પણ આર્મી લગભગ અડધા કલાક પછી ઘટના સ્થળે પહોંચી.
“ફાયરિંગના બે મિનિટમાં બધું બદલાઈ ગયું”
સાર્થકના કહેવા મુજબ તેઓ શ્રીનગરથી પહલગામ ખાતે બે દિવસ માટે ફરવા આવ્યા હતા. જેમજ તેઓ રાઈડ માટે ટિકિટ લઇને ઊપર જતા, તેમજ આ ભયંકર ઘટના બની ગઈ.
“અમે ઉપર ગયા એની બે મિનિટ પછી જ ગોળીબાર શરૂ થયો. પહેલા થોડું શાંતિ હતી, પણ પછી ફરી ગોળીઓ વાગી. એ ગોળીઓમાં મારા ફૂવા યતીશભાઈ અને ફોઇના પુત્ર સ્મિત બંનેને ગોળીઓ વાગી ગઈ. હવે તેઓ અમારા વચ્ચે નથી…”
“મારું પણ બચાવ, અને મારી ફોઇને પણ સુરક્ષિત લાવ્યો”
સાર્થકે એકદમ હિંમતભેર પોતાનું અને પોતાની ફોઇનું રક્ષણ કર્યું. તે જણાવે છે કે હુમલાના વચ્ચે, જ્યારે બધે અફરાતફરી હતી, ત્યારે તેણે પોતાની ફોઇને સુરક્ષિત ઘોડા પર બેસાડીને નીચે લઈ ગયો:
“ભાઈ સ્મિત ગુમાવી દીધો, પણ ફોઇને તો જીવતા નીચે લાવ્યા. ત્યાં ચારેબાજુથી ગોળીઓ વરસી રહી હતી અને કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે તેમ હતું.”
કાજલબેનનું હૈયાફાટ રુદન
મૃતક પિતા યતીશ પરમાર અને પુત્ર સ્મિતના શોકમાં ભાવનગર શહેરીજનો એકસાથે જોડાયા. અંતિમવિધિ દરમિયાન યતીશભાઈની પત્ની કાજલબેન દુખથી હૈયાફાટ રુદન કરી રહયા હતાં. તેઓનાં હૈયાફાટ રુદનથી આખું વાતાવરણ ભાવવિહ્વલ બની ગયું.
હજી સારવાર હેઠળ છે વિનુભાઈ ડાભી
આ હુમલામાં ભાવનગરના 20 લોકો એક સાથે પ્રવાસે ગયાં હતાં. તેઓ પૈકી વિનુભાઈ ત્રિભોવનભાઈ ડાભી હજી પણ શ્રીનગરમાં સારવાર હેઠળ છે.
સ્મિત – એક નાનકડું સપનુ જે અધૂરું રહી ગયું
મૃતક પુત્ર સ્મિત પરમાર માત્ર 17 વર્ષનો હતો અને 11મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હતો. જ્યારે આ દુ:ખદ સમાચાર શાળામાં પહોંચ્યા, ત્યારે સમગ્ર શાળામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. શાળાએ સાંત્વના પ્રગટ કરતી જાહેરાત સાથે અડધો દિવસ શાળા બંધ રાખી હતી.