Pahalgam Name Meaning: ‘પહલગામ’ નામનો અર્થ શું? આતંકી હુમલાથી ચર્ચામાં આવેલું પવિત્ર સ્થાન
Pahalgam Name Meaning: હિમાલયની ઉંચાઈઓ વચ્ચે વસેલું જમ્મુ અને કાશ્મીરનું પહેલગામ વર્ષોથી પોતાની શાંત, કુદરતી સુંદરતા અને ઠંડા વાતાવરણ માટે જાણીતું રહ્યું છે. લીલીછમ ઘાસના મેદાનો, ઘાટીઓમાં વહેતાં પ્રવાહો, અને ઐતિહાસિક મંદિરોએ આ જગ્યાને ‘ભૂ-સ્વર્ગ’ બનાવ્યું છે. દરેક ઉનાળે હજારો પ્રવાસીઓ અહીં પ્રવાસે આવે છે, પરંતુ 22 એપ્રિલ, 2025ના રોજ અહીં બનેલી આતંકી ઘટના પછી પહેલગામ હવે માત્ર શાંતિનો નકશો નહીં રહ્યો – હવે તેનું નામ જાણે એક લોહિયાળ યાદ સાથે જોડાઈ ગયું છે.
આ ઘટનાએ લોકોના મનમાં ભય ઉમેરી દીધો છે અને હવે લોકો માત્ર અહીંની સૌંદર્યની વાત નથી કરતા, પણ અહીંના ઇતિહાસ અને નામના અર્થ વિશે પણ જાણવાની ઉત્સુકતા દર્શાવી રહ્યા છે.
પહેલગામ – નામ પાછળનો અર્થ અને ઈતિહાસ
પહેલગામ નામની ઊંડાણમાં નજર કરીએ તો આ નામ બે કાશ્મીરી શબ્દો પરથી બનેલું છે: “પુહેલ” એટલે કે “પહલ” જેનો અર્થ થાય છે ‘ભરવાડ’ અને “ગોઆમ” એટલે ‘ગામ’. આ રીતે પહેલગામનો અર્થ થાય છે ‘ભરવાડોનું ગામ’. પહેલગામ ડેવલપમેન્ટ ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે આ સ્થળનો મૂળ નામ ‘પુહેલગોમ’ હતો, જે સમય જતા ‘પહેલગામ’ બની ગયો.
ઇતિહાસકારો કહે છે કે મુઘલ શાસક અકબરને પણ આ સ્થળ ખૂબ ગમતું હતું અને તે ઉનાળામાં અહીં રોકાતો. અંગ્રેજોનો શાસનકાળ આવ્યો ત્યાં સુધી પણ પહેલગામ તેમનું લોકપ્રિય ગ્રીષ્મસ્થળ બની ચૂક્યું હતું.
ધાર્મિક મહત્ત્વ પણ છે ઊંડું
હિન્દુ ધર્મ અનુસાર, પહેલગામ ઋષિ કશ્યપ સાથે સંકળાયેલું છે, જેમણે કાશ્મીર ખીણ બનાવવાનું કાર્ય કર્યું હતું. અહીં માતા પાર્વતી અને ભગવાન શિવ સાથે જોડાયેલી કથાઓ પણ પ્રચલિત છે. કહેવાય છે કે જયારે ભગવાન શિવ અમરનાથ ગુફામાં અમરત્વનું રહસ્ય પાર્વતીને સંભળાવવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે પોતાના પવિત્ર નંદી બળદને પહેલગામમાં છોડ્યો હતો. અહીંથી અમરનાથ ગુફા 48 કિમી દૂર છે – ભક્તો માટે આ યાત્રા શ્રદ્ધા અને સાહસનું પ્રતિક છે.
પહેલગામ આજે પણ આધ્યાત્મિકતા અને કુદરતી શાંતિ માટે લોકપ્રિય છે, પરંતુ 2025ની આતંકી ઘટનાએ એ શાંતિમાં ભંગ લાવવાનો પ્રયાસ કર્યો છે. છતાં, તેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ આજે પણ અટૂટ છે.