UK Jail Opens Inmate Supermarket: જેલમાં ખુલ્યું અનોખું સુપરમાર્કેટ, કેદીઓ ખરીદી કરે, કામ શીખે અને જીવનને આપે નવી દિશા
UK Jail Opens Inmate Supermarket: જેલનો ઉદ્દેશ્ય માત્ર દંડ નહીં, પરંતુ સુધાર અને નવી શરૂઆત માટે માર્ગ મોકળો કરવો પણ છે. આજે આપણે આવી જ એક અનોખી પહેલ વિશે વાત કરીશું, જે ઇંગ્લેન્ડની સૌથી મોટી જેલ HMP ઓકવુડમાં અમલમાં મૂકાઈ છે. અહીં જેલમાં એક ‘સૂપરમાર્કેટ’ શરૂ કરવામાં આવ્યો છે, જે કેદીઓને મુક્તિ પછીના જીવન માટે તૈયાર કરે છે. આ પહેલે કેદીઓમાં નવા ઉત્સાહ અને આશાનું સંચાર કર્યું છે.
આ વિચાર ખૂબ જ અનોખો છે – જેલની અંદર એક એવી દુકાન ખોલવામાં આવી છે જ્યાં કેદીઓ ‘મોનોપોલી કરન્સી’થી ખરીદી કરી શકે છે. આ દુકાન ફૂડ રિટેલ ચેઇન “આઇસલેન્ડ” દ્વારા શરૂ કરવામાં આવી છે. અહીંથી કેદીઓ શીખે છે કે કેવી રીતે ખરીદી કરવી, ગ્રાહક તરીકે કે વેચનાર તરીકે કેવી રીતે વર્તવું, અને નોકરી માટે જરૂરી કૌશલ્યો કેવી રીતે વિકસાવવાં. આ જેલમાં રહેતા કેદીઓ આ દુકાનમાં કામ પણ કરે છે – કેટલાક કાઉન્ટર પર, કેટલાક કોફી બનાવવામાં, તો કેટલાક ડિલિવરી માટે ટ્રેનિંગ પણ મેળવે છે.
જેલના આ માર્કેટપ્લેસમાં માત્ર સુપરમાર્કેટ જ નહીં, પરંતુ હોપફુલ ગ્રાઉન્ડ્સ નામનું કાફે, શાકભાજી સ્ટોલ અને રમતગમતના સાધનો માટેનું સ્ટોર પણ છે. અહીં કામ કરતા કેદીઓને નકલી ચલણ દ્વારા પગાર આપવામાં આવે છે, જેને તેઓ ખરીદી માટે ઉપયોગ કરી શકે છે. આ રીતે તેઓ વ્યવહારિક જીવનનો અનુભવ મેળવી શકે છે.
આ પ્રોજેક્ટ પાછળ G4S અને પુનર્વસન નિર્દેશક પોલ કાઉલીનું મહત્વપૂર્ણ યોગદાન છે. કાઉલી પોતે પણ ક્યારેય કેદી રહી ચૂક્યા છે અને હવે આવા કેદીઓને નવી શરૂઆત આપવાનો પ્રયાસ કરે છે. આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં ૩૫૦ પૂર્વ કેદીઓને નોકરી મળી ચૂકી છે.
આ રીતે HMP ઓકવુડ માત્ર એક જેલ નહીં, પરંતુ આશા અને નવી શરૂઆતનું કેન્દ્ર બની ગયું છે. આ પહેલ એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને માનવતાવાદી વિચારોથી, જેલમાંથી બહાર આવતી વ્યક્તિ માત્ર છૂટકી નથી પામતી, પણ પોતાનું ભવિષ્ય નવું ઘડી શકે છે.