Wife Leaks Affair Gets Sued: પતિના અફેરનો ખુલાસો કરવા પત્નીએ લગાવ્યા CCTV, પણ ગર્લફ્રેન્ડે ગોપનીયતા ભંગનો દાખલ કર્યો કેસ – કોર્ટનો ચોંકાવનારો ચુકાદો
Wife Leaks Affair Gets Sued: ચીનમાં પતિના લગ્નેત્તર સંબંધનો ખુલાસો કરવા માટે એક પત્નીનું પગલું ભારે પડી ગયું છે. ગુઆંગશી ઝુઆંગ પ્રાંતના ટેંગ કાઉન્ટીમાં રહેતી મહિલાએ પોતાના પતિને ગર્લફ્રેન્ડ સાથે પકડવા માટે ભાડાના ફ્લેટમાં છૂપા કેમેરા લગાવ્યા હતા. આ કેમેરાના ફૂટેજથી બંનેના અંતરંગ પળો વાયરલ થયા, જેના પગલે ગર્લફ્રેન્ડે પતિની પત્ની વિરુદ્ધ ગોપનીયતા ભંગનો આરોપ મૂક્યો અને કોર્ટ સુધી કેસ પહોંચ્યો.
આ ઘટનામાં, પતિ હૂન અને તેની ગર્લફ્રેન્ડ વાંગ, ઓગસ્ટ 2023માં ફ્લેટમાં કેમેરા મળી આવતા હચમચી ગયા. બાદમાં જાણવા મળ્યું કે આ કેમેરા હૂનની પત્ની લી અને તેના ભાઈ-બહેને લગાવ્યા હતા. સીસીટીવીમાં રેકોર્ડ થયેલા દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જે બાદ વાંગે કાનૂની કાર્યવાહી કરી.
કોર્ટમાં વાંગે દલીલ કરી કે આ રીતે તેનો ગોપનીયતાનો અધિકાર ભંગ થયો છે અને તેને પ્રતિષ્ઠાની પણ હાનિ થઈ છે. બીજી તરફ, લીએ કહ્યું કે તેના પતિના સંબંધોના કારણે તેને આવું કરવું પડ્યું અને તે પોતાના બાળકની સુરક્ષા માટે આવી વ્યવસ્થા કરી રહી હતી.
ટેંગ કાઉન્ટી કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે વાંગનો ગોપનીયતા અધિકાર ભંગ થયો છે અને લીએ જ ફૂટેજ હટાવવું પડશે. જોકે, વાંગના વળતર અને જાહેર માફી માટેના દાવાને કોર્ટએ નકારી દીધો હતો, કારણ કે વાંગે પણ પતિ સાથે વિવાહેતર સંબંધ બનાવી ખોટું કર્યું હતું.
આ કેસે ચીની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. કેટલાકે ગર્લફ્રેન્ડ પર વ્યંગ કર્યો, તો કેટલાકે પત્નીનો બચાવ કર્યો. લોકો કહે છે કે દગાખોરીમાં કઈ તરફ ન્યાય છે, એ જ સમજવું મુશ્કેલ છે.