Bihar Election: કોંગ્રેસની નવી રણનીતિ અને 80થી વધુ બેઠકોની દાવેદારી
Bihar Election બિહારમાં આવતા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. 2024ની લોકસભા ચૂંટણીમાં મળેલી સફળતા પછી કોંગ્રેસ હવે વધુ બેઠકોની માંગ સાથે મહાગઠબંધન (INDIA બ્લોક)માં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે.
કોંગ્રેસે ચૂંટણી રણનીતિમાં મોટા ફેરફારો કર્યા છે. પાર્ટીએ દલિત, પછાત અને લઘુમતી વર્ગના મતદારોના સમીકરણોને કેન્દ્રમાં રાખી નવા નિમણૂકો કર્યા છે. દલિત નેતા રાજેશ કુમારને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જયારે યુવા નેતા કૃષ્ણા અલ્લાવારુને રાજ્યના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ, કન્હૈયા કુમાર જેવા યુવા નેતાઓને બેરોજગારી જેવા મુદ્દાઓ પર રસ્તે ઉતારવામાં આવ્યા છે, જેના થકી યુવા મતદારોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે.
2020માં કોંગ્રેસે 70 બેઠકો પર ચૂંટણી લડી હતી જેમાંથી ફક્ત 19 બેઠક જીતવામાં આવી હતી. આ વખતે, પાર્ટી 80 થી વધુ બેઠકોની માંગ સાથે મહાગઠબંધનના અન્ય સાથીદળો સામે સોદાબાજી કરવા તૈયાર છે. કોંગ્રેસનો દાવો છે કે 2020માં તેમને એસી બેઠકો અપાઈ હતી જ્યાં જીતની શક્યતાઓ ઓછી હતી. હવે પાર્ટી એવી બેઠકો પર લડવા માંગે છે જ્યાં તેનું સંગઠન મજબૂત છે.
વિશ્લેષકો માને છે કે મહાગઠબંધન માટે મતોની એકતાને જાળવવી સૌથી મોટો પડકાર રહેશે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનને કુલ 37.23% મત મળ્યા હતા, જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં આ આંકડો 39.21% રહ્યો હતો. જોકે બેઠકોની સંખ્યા ઓછી રહી હતી.
કોંગ્રેસ માટે હવે પ્રશ્ન છે કે શું તે પોતાની જમીન મજબૂત બનાવી શકે અને બિહારમાં પાછી ફરવાની રાહમાં સાચા તબક્કે છે? પાર્ટી સામે પડકારો ઘણા છે, પણ ક્યારેક સમીકરણો કરતા સંકલ્પ વધારે મક્કમ હોય છે.