Uddhav Thackeray ‘રાજ ઠાકરે ભાજપના નકલી હિન્દુત્વના જાળમાં ફસાયા’, ઉદ્ધવ ઠાકરે જૂથનું મોટું નિવેદન
Uddhav Thackeray મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભાઈઓના મિલનની ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરે નેતૃત્વવાળી શિવસેના (UBT)ના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખ દ્વારા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સંમતિ અને સંભવિત સહયોગના સંકેત આપ્યા છે. તંત્રી સંજય રાઉતે લખ્યું છે કે, જો બંને ભાઈઓ સાથે આવે તો બીજાઓને એમાં શું વાંધો છે?
સામનામાં જણાવવામાં આવ્યું છે કે ભાજપે રાજ ઠાકરેને નકલી હિન્દુત્વના જાળમાં ફસાવ્યા હતા. “ભાજપનું હિન્દુત્વ નકલી અને સસ્તું છે. રાજ ઠાકરે તેમના જાળમાં લપસતા રહ્યા અને તેનો શિવસેના પર હુમલાની રીતે ઉપયોગ થયો. ભાજપ અને શિંદે જૂથે રાજના ખભા પર બંદૂક રાખીને શિવસેના પર પ્રહાર કર્યો, પણ રાજને તેટલો રાજકીય લાભ મળ્યો નહીં. પરિણામે મરાઠી એકતાને નુકસાન થયું,” એમ સામનામાં કડક ટિપ્પણી કરવામાં આવી છે.
લેખમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, હવે રાજ ઠાકરેને મહારાષ્ટ્રના દુશ્મનોની હરોળમાં જોડાવું નહીં જોઈએ અને રાજ્યના હિત માટે ઊભા રહેવું જોઈએ. બંને નેતાઓ એકમેક સાથે આવવા માટે તૈયાર છે અને ઉદ્ધવ ઠાકરેએ રાજના પ્રસ્તાવનો સમર્થન આપીને મજબૂત સંકેત આપ્યો છે કે તેઓ મહારાષ્ટ્રના હિત માટે કોઈ પણ નાનો વિવાદ ભૂલીને આગળ વધવા તૈયાર છે.
તંત્રીલેખમાં આ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે કેટલાક લોકો આ સંભાવનાને લઈને પેટમાં દુઃખાવાની રીતે વ્યથિત છે. “આ બંને ભાઈઓ ભેગા થશે એટલે કેટલીક શખ્સિયતોના ચહેરા પર નકલી ખુશી છે,” એમ વ્યંગ કરતાં લખાયું છે.
આ સમગ્ર પ્રકરણ મહારાષ્ટ્રના જનમાનસ માટે એક મહત્વપૂર્ણ સંકેત છે – જ્યાં મરાઠી આત્મસન્માન અને એકતાના હિતમાં જૂના મતભેદ ભૂલીને એક નવો રાજકીય દોર શરૂ થઈ શકે છે.