Fake CID Officer Arrested: નકલી CID અધિકારી પકડાયો: સ્કોર્પિયોમાંથી વિદેશી દારૂ અને ખોટી ઓળખ મળી
Fake CID Officer Arrested: દેવભૂમિ દ્વારકામાં એક વ્યક્તિએ પોતાને CID અધિકારી જાહેર કરી લોકોની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે ….ખંભાળિયા-જામનગર હાઈવે પર પેટ્રોલિંગ દરમ્યાન ટ્રાફિક પોલીસની નજર સ્કોર્પિયો કાર પર પડી, જેના ઉપર લાલ અને વાદળી રંગની એલઈડી લાઈટ અને સાયરન લગાવવામાં આવ્યો હતો. કારમાં બેઠેલા બે શખ્સોએ પોતાને CID ઇન્ટેલિજન્સ (ગુજરાત સ્ટેટ)ના અધિકારીઓ તરીકે ઓળખાવવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસની સાવચેતી અને ચકાસણીમાં સચ્ચાઈ બહાર આવી.
જેમજ તપાસ આગળ વધી, તેમ બાંધો ફૂટ્યો. એક શખ્સે પોતાનું નામ એસ.પી. વાઘેલા જણાવ્યું હતું, પણ જ્યારે પોલીસે ઓળખપત્રો ચકાસ્યા ત્યારે ફોટો નહોતો મેળ ખાતો. ત્યારબાદ આધારકાર્ડ માગતાં આરોપીની સાચી ઓળખ થઈ — દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર (ઉંમર 38), જે બાવળા તાલુકાના ગાંગડ ગામનો રહેવાસી છે.
કારમાં સવાર બીજા શખ્સ કૃપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા (ઉંમર 32)ની પણ ધરપકડ કરાઈ. પોલીસ તપાસ દરમ્યાન કારમાંથી બિયરના ત્રણ ટીન અને કોલ્ડ ડ્રિંકની બોટલમાં ભરી રાખેલો કુલ 1350 મિલી વિદેશી દારૂ મળી આવ્યો.
કાર, દારૂ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11.15 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો છે.
આ ઘટના તે વખતે વધુ સાબિત થઇ ગઈ જ્યારે જાણવા મળ્યું કે આરોપી સ્કોર્પિયો કારમાં લાલ-વાદળી રંગની ફ્લેશ લાઈટ અને સાયરન લગાવી, અધિકારી તરીકેનો ભ્રમ ફેલાવતો હતો.
પોલીસે હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ પૂછપરછ ચલાવી રહી છે કે અન્ય કોઈ ઘટના કે ફરિયાદ પાછળ છૂપાયેલી છે કે કેમ.