California sea lion attack video: દરિયાઈ સિંહે સર્ફરોનો કર્યો પીછો, બીચ પર મચી અફરા-તફરી
California sea lion attack video: દક્ષિણ કેલિફોર્નિયાના ન્યૂપોર્ટ બીચમાં દરિયાઈ સિંહના એક અણધાર્યા હલનચલનને કારણે બીચ પર અફરા-તફરી મચી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે એક દરિયાઈ સિંહ અચાનક પાણીમાં સર્ફરો તરફ દોડી રહ્યો છે અને લોકો તરત જ કિનારા તરફ દોડવા લાગે છે. આ ઘટનાને જોઈને લોકો દંગ રહી ગયા, કારણ કે દરિયાઈ સિંહો સામાન્ય રીતે શાંત અને માનવમિત્ર સ્વભાવ માટે ઓળખાય છે.
ન્યુરોટોક્સિનથી પ્રભાવિત
અહેવાલ અનુસાર, આ સિંહ ડોમોઇક એસિડ નામના ઝેરના અસર હેઠળ હતો. આ ઝેર દરિયામાં ઉગતી ઝેરી શેવાળના કારણે ફેલાય છે અને દરિયાઈ જીવોમાં ન્યુરોલોજીકલ સમસ્યાઓ ઊભી કરે છે. તાજેતરમાં કેલિફોર્નિયાના તટે આવા કેસોમાં વધારો થયો છે, જેમાં દરિયાઈ સિંહ, ડોલ્ફિન અને સમુદ્રી પક્ષીઓ પણ શામેલ છે.
દરિયાઈ ઇકોસિસ્ટમ માટે ચેતવણી
મરીન મેમલ કેર સેન્ટરના સીઈઓ જોન વોર્નર અનુસાર, “અમે હવે વધુ કિસ્સાઓ જોઈ રહ્યા છીએ અને એ પણ વધુ ગંભીર સ્વરૂપે.” તેમણે જણાવ્યું કે હમણાં હમણાં હંટીંગ્ટન બીચ પાસે હમ્પબેક વ્હેલ અને લોંગ બીચ પાસે મિંક વ્હેલ મૃત અવસ્થામાં મળી આવી છે. આ સમગ્ર પરિસ્થિતિ દરિયાઈ પર્યાવરણ માટે ચિંતાજનક બની ગઈ છે.
માનવો માટે પણ ખતરો
સ્થાનિક લોકો માટે પણ આ દ્રશ્યો ચિંતાનું કારણ બન્યા છે. એક કાયક ચલાવનારા સ્થાનિકે જણાવ્યું કે, “હું રોજ દરિયાઈ સિંહોને જોઉં છું, પણ હવે તેમની આસપાસ રહેવું સલામત લાગતું નથી.”
આ દરિયાઈ જીવોમાં ચિંતાજનક ફેરફાર દર્શાવે છે કે કુદરતી ઈકોસિસ્ટમમાં અસંતુલન ઊભું થઈ રહ્યું છે, જે માનવ જીવન પર પણ છાંયા પાથરી શકે છે. વૈજ્ઞાનિકો અને તટ રક્ષા સંસ્થાઓ હવે વધુ સતર્કતાથી દરિયાઈ જીવોનાં સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.