Salman Khurshid: CJI પર નિશિકાંત દુબેના નિવેદનથી સલમાન ખુર્શીદ ગુસ્સે થયા, કહ્યું – “સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે અંતિમ”
Salman Khurshid વક્ફ અધિનિયમ 2025 મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા કોર્ટ અને ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના સામે કરાયેલા ટીકાટિપ્પણીઓ રાજકીય ગરમાવા તરફ દોરી રહી છે. પૂર્વ કાયદા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે આ નિવેદનોને લોકશાહી અને બંધારણના મૂલ્યો સામેના હુમલા તરીકે રજૂ કર્યા છે.
દુબેના વિવાદાસ્પદ નિવેદનો:
નિશિકાંત દુબેએ કહ્યું હતું કે “સુપ્રીમ કોર્ટ કાયદો બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ” અને CJI સંજીવ ખન્ના પર દેશમાં “ગૃહયુદ્ધ” જેવી પરિસ્થિતિઓ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો. તેમણે કલમ 141 અને 368નો ઉલ્લેખ કરીને કહ્યું કે કાયદો બનાવવા માટે સંસદ સત્તાધારી છે, જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયો નીચલી અદાલતો માટે માર્ગદર્શક હોય છે – એ કાયદા નથી.
સલમાન ખુર્શીદનો પ્રતિકાર:
સલમાન ખુર્શીદે જણાવ્યું કે “સાંસદ દ્વારા આવું કહેવું દુઃખદ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયો અંતિમ હોય છે અને બધા માટે બંધનકર્તા હોય છે.” તેમણે ઉમેર્યું કે ન્યાયવ્યવસ્થામાં વિસ્વાસ રાખવો જોઈએ, અને જો કોઈ નિર્ણયથી અસંતોષ હોય તો તેનો અર્થ એ નથી કે કોર્ટની પ્રક્રિયાને અયોગ્ય ઠેરવી શકાય.
#WATCH | Delhi: On BJP MP Nishikant Dubey's statement on the Supreme Court, Advocate and Congress leader Salman Khurshid says, "It is a matter of great sadness if an MP questions the Supreme Court or any court…In our legal system, the final word is not of the government, it is… pic.twitter.com/ZIExvMlS8W
— ANI (@ANI) April 19, 2025
તેમણે કહ્યું કે, “જ્યારે એક સામાન્ય નાગરિક કોર્ટમાં જાય છે ત્યારે તેને આશા હોય છે કે નિર્ણય એના પક્ષમાં આવશે – પણ એવું હંમેશા બને નહીં, અને એ નિરાશાને લીધે કોર્ટ પર આરોપ મૂકવો યોગ્ય નથી.”
વિવાદનો અસલ મુદ્દો શું છે?
દુબેનો મુદ્દો એ છે કે વક્ફ મિલકતના મામલાઓમાં કોર્ટ પછાત અભિગમ અપનાવે છે અને રામ મંદિર કે જ્ઞાનવાપી જેવા અન્ય ધાર્મિક વિવાદોમાં પૂરાવા માંગે છે. આ દ્રષ્ટિકોણે તેમણે ન્યાયપાલિકા પર ભેદભાવનો આક્ષેપ કર્યો.
આ વિવાદે ફરી એકવાર સુપ્રીમ કોર્ટ અને સંસદ વચ્ચે સીમાની સમજણ અને સન્માનના મુદ્દાને હાઇલાઇટ કર્યો છે. જ્યાં એક તરફ રાજકીય નેતાઓ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હક હેઠળ ટીકાની છૂટ લે છે, ત્યાં બીજીતરફ, ન્યાયપાલિકાનું ગૌરવ અને એની અસાધારણ ભૂમિકા પણ દેશના લોકશાહી બંધારણ માટે અનિવાર્ય છે.