British auction Flower pot: લંડનના બગીચામાંથી મળી તૂટેલી ફૂલદાની હરાજીમાં 56 લાખમાં વેચાઈ
British auction Flower pot: બ્રિટનમાં એક સામાન્ય દેખાતી અને તૂટી ગયેલી ફૂલદાની ચર્ચાનો વિષય બની ગઈ છે, જ્યારે તે લંડનમાં યોજાયેલી હરાજીમાં આશરે ₹56 લાખ (લગભગ $66,000) માં વેચાઈ ગઈ. આશ્ચર્યની વાત એ છે કે વર્ષોથી બગીચામાં મૂકાયેલી આ ફૂલદાની અસલમાં એક પ્રસિદ્ધ કલાકાર હાન્સ કોપર દ્વારા બનાવાયેલી અનોખી કલાકૃતિ છે, જેને જાણીતા કલેક્શનર્સે મોટું મૂલ્ય આપ્યું.
આ ફૂલદાની લગભગ ૪ ફૂટ ઊંચી છે અને પથ્થર જેવી ઘાટ ધરાવતી છે. તે વર્ષો પહેલાં, 1964માં, જર્મન મૂળના પ્રખ્યાત જર્મન-બ્રિટિશ કલાકાર હાન્સ કોપરે બનાવેલી હતી. તેઓ 1939માં જર્મનીથી બ્રિટનમાં સ્થાયી થયા હતા અને દક્ષિણ લંડનની કેમ્બરવેલ સ્કૂલ ઓફ આર્ટ્સમાં શિક્ષક તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે આ વિશિષ્ટ ફૂલદાની એક ખાનગી ગ્રાહક માટે ખાસ બનાવેલી હતી.
સમય જતાં ફૂલદાની તૂટી ગઈ હતી, પણ માલિકે તેને ક્યારેય ફેંકી નહોતી. તેના બદલે, તેણે તેનું સમારકામ કરાવીને ઘરના બગીચામાં ડેકોરેશન માટે તેનો ઉપયોગ શરૂ કર્યો. વર્ષો પછી જ્યારે માલિકાનું અવસાન થયું, ત્યારે તેની મિલકત પૌત્રીઓ સુધી પહોંચતા તેઓએ આ ફૂલદાનીની સાચી કિંમત જાણવા માટે ચિસ્વિક ઓક્શન હાઉસનો સંપર્ક કર્યો.
જ્યારે નિષ્ણાત જો લોયડે આ ફૂલદાનીનું નિરીક્ષણ કર્યું ત્યારે તેને તેમાં તાંબાની વિશિષ્ટ સીલ જોવા મળી, જે હાન્સ કોપરની ઓળખની નિશાની હતી. આ શોધ પછી ફૂલદાનીની સંભાવિત કિંમત ₹6.7 થી ₹11 લાખ માનવામાં આવી હતી. જોકે, હરાજી દરમિયાન અમેરિકન, ડેનિશ અને સ્થાનિક બોલીદારો વચ્ચે તેજ સ્પર્ધા જોવા મળી. અંતે એક અમેરિકન ખરીદદારે સૌથી ઊંચી બોલી લગાવીને આ કલાકૃતિ પોતાના નામે કરી.
ચિસ્વિક ઓક્શન્સના ડિઝાઇન હેડ મેક્સિન વિનિંગે જણાવ્યું કે, “આ ઘટના એ સાબિત કરે છે કે હાન્સ કોપરની કૃતિઓ આજે પણ વિશ્વભરમાં સંગ્રહકર્તાઓ માટે અત્યંત મૂલ્યવાન છે—તૂટેલી હોય તો પણ.” નિષ્ણાતોનું કહેવું છે કે આ ફૂલદાનીના સંપૂર્ણ સમારકામ માટે અંદાજે ₹9 લાખનો ખર્ચ આવી શકે છે, છતાં તેનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂલ્ય એના દેખાવ કરતા ઘણા ગણું ઊંડું છે.