GPSC exam : રાજકોટમાં GPSCની ક્લાસ 1-2 ઓફિસર પરીક્ષા: 32 કેન્દ્રો પર 7,091 ઉમેદવાર ઉપસ્થિત રહેશે, પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
GPSC exam : આવતા રવિવાર, એટલે કે 20 એપ્રિલે, રાજકોટ શહેરમાં GPSC દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની સંવર્ગ માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ગુજરાત વહીવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા તથા નગરપાલિકા મુખ્ય અધિકારી પદ માટે યોજાતી આ પરીક્ષામાં કુલ 7,091 ઉમેદવારો ભાગ લેશે. સમગ્ર શહેરમાં વિવિધ શાળાઓ અને કોલેજોમાં 32 પરીક્ષા કેન્દ્રો પર બપોરે 12:00થી 3:00 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે.
શાંતિપૂર્ણ પરીક્ષા માટે સત્તાવાર કડક પગલાં
પરીક્ષા દરમિયાન કોઇ પ્રકારની અશાંતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય એ માટે શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું જાહેર કર્યું છે. જાહેરનામા મુજબ, દરેક પરીક્ષા કેન્દ્રના કંપાઉન્ડ અને તેની આજુબાજુના 100 મીટર વ્યાસ વિસ્તારમાં ખાસ નિયંત્રણો લાગુ પડશે.
જાહેરનામાના મુખ્ય મુદ્દા:
અનધિકૃત વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં પ્રવેશ કરવાની મંજૂરી નહિ.
ઝેરોક્ષ મશીનો, લાઉડસ્પીકર અને વાહનો જેવી વસ્તુઓનો ઉપયોગ પરીક્ષા કેન્દ્રની આસપાસ પ્રતિબંધિત રહેશે.
ચારથી વધુ લોકોના ટોળા પરીક્ષા કેન્દ્ર નજીક ભેગા થઈ શકશે નહિ.
મોબાઈલ, ટેબ્લેટ, સ્માર્ટ વોચ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉમેદવારોને તથા સુપરવાઇઝર વગેરેને પરીક્ષા હોલમાં લઇ જવા પર પ્રતિબંધ રહેશે.
તમામ સત્તાવાર કર્મચારીઓએ ઓળખપત્ર પહેરવું ફરજિયાત રહેશે.
શાંતિ અને ભયમુક્ત વાતાવરણ માટે કાર્યવાહી
શહેરના જે તમામ 32 શાળા/કોલેજો પરીક્ષા કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવ્યા છે, ત્યાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, એ માટે સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇ પણ તોફાની તત્વો પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પહોંચાડી શકે એ માટે આખા શહેરમાં ચોકસાઈથી નજર રાખવામાં આવશે.
ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ
પરીક્ષાર્થીઓએ પરીક્ષા સમયે આપેલા નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવું ફરજિયાત રહેશે. ખાસ કરીને મોબાઈલ ફોન કે કોઈપણ ગાઈડ, બુકલેટ જેવી સામગ્રી હોલમાં લાવવી નહી. અન્યથા કડક કાર્યવાહીની શક્યતા રહેશે.