Congress alliance with AAP in Gujarat : કોંગ્રેસનો મોટો નિર્ણય: ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં થાય, વિસાવદર અને કડી બેઠક પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે
Congress alliance with AAP in Gujarat : ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણીના દૃષ્ટિકોણથી એક મોટો નિર્ણાયક પગલુ ભર્યું છે. પાર્ટી હવે સ્પષ્ટ રીતે આમ આદમી પાર્ટીથી દૂરી બનાવી રહી છે અને જાહેર રીતે કહી દીધું છે કે રાજ્યની આગામી પેટાચૂંટણીઓમાં તે કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. ખાસ કરીને વિસાવદર અને કડીની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસ પોતે સ્વતંત્ર રીતે મેદાનમાં ઉતરશે અને આખી તાકાતથી લડશે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પાર્ટી હવે સંપૂર્ણ કડક શિસ્ત સાથે કાર્યરત છે. કોંગ્રેસમાં હવે કોઈપણ પ્રકારના લાગવગ કે શોર્ટકટના આધારે પદ નહીં અપાય. તમામ નિમણૂકો કાર્યકરોના પ્રતિભા અને લોકસંપર્કના આધારે જ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસમાં હવે ટેલેન્ટ હન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં તળિયાથી લઈ ટોચ સુધીના પદો માટે યોગ્ય અને સક્ષમ વ્યક્તિઓની પસંદગી થશે.
કડી અને વિસાવદર બંને પાટીદાર બહુમતી ધરાવતી બેઠકો છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યુ છે કે તેઓ કોઈ બેઠક કોઈ પાર્ટીને નહીં આપે અને દરેક બેઠકો પર પોતાના ઉમેદવારોને લડી મુકશે. પાર્ટીનો દાવો છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ રહ્યો નથી. કેશુભાઇ પટેલની જીપીપી, ગોરધન ઝડફીયાની પાર્ટી કે શંકરસિંહ વાઘેલાનું આગેવાનપણું..પાટીદાર સમુદાય પણ પરંપરાગત રીતે ત્રીજા પક્ષને મત આપતો નથી.
શક્તિસિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ હરિયાણામાં પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું, જ્યાં સ્પષ્ટ બહુમત તરફ વધી રહેલી કોંગ્રેસને જીતથી વંચિત રાખવામાં આવી. તેમ છતાં, ભરૂચમાં અહેમદ પટેલના પરિવારો માટે લાગણી વ્યક્ત કરી કોંગ્રેસે બેઠકો છોડીને ગઠબંધન ધર્મ નિભાવ્યો હતો, જેનાથી પણ લાભ મળ્યો નહીં.
અંતે તેમણે કહ્યું કે, કોંગ્રેસના અંદર કોઈ જાતની આંતરિક નારાજગી નથી. દરેક નેતા પોતાને સોંપાયેલ જવાબદારી નિભાવશે. રાહુલ ગાંધીના દિગ્દર્શનમાં કોંગ્રેસ હવે આંતરિક વિખવાદ છોડીને ભાજપ સામે એકસાથે મજબૂત લડત લડશે.