Chhota Udepur bridge inauguration: છોટાઉદેપુર જિલ્લામાં 11.39 કરોડના ખર્ચે બે નવા બ્રિજનું લોકાર્પણ, આંતરિયાળ ગામોને મળશે નવી રાહ
Chhota Udepur bridge inauguration: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવટ ગામે આજે વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રુ. 11.39 કરોડના ખર્ચે બનેલા બે નવા બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ બ્રિજોના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રભારીમંત્રી ભીખુસિંહજી પરમારે વિશેષ હાજરી આપી હતી અને લોકાર્પણ વિધિને હસ્તે પૂર્ણ કરી હતી.
આ બ્રિજોમાંથી એક અશ્વિની નદી પર બોરીયાદ-છેવટ રોડ પર આવેલો છે, જ્યારે બીજો નજીકના માર્ગ જોડાણ માટે બનાવાયો છે. આ બંને બ્રિજના ઉપયોગથી લાવાકોઇ, દામણીઆંબા, કેવડી, ફુલવાડી, દુગ્ધા, ધારસિમેલ, તલાવ, કુમેઠા, કાંટીયાબાર, રાધનાપાણી, સરિયાપાણી, વિયાવાંટ, રતનપુર (ક), કપરાલી જેવા આંતરિયાળ ગામોને નસવાડી તાલુકા મથક અને બોરીયાદ તરફ આવનજાવન માટે સરળ અને ટૂંકો માર્ગ મળશે.
આ નવા બ્રિજના કારણે ગામોને અંદાજે 20 કિલોમીટરનું અંતર બચશે, જેનાથી વાહનવ્યવહાર ઝડપી બનશે અને લોકોના સમય અને ખર્ચમાં મોટી બચત થશે. ખાસ કરીને ચોમાસાના સમયમાં, જયારે નદીઓ ભરપૂર રહેતી હોવાને કારણે ગામોનો સંપર્ક તૂટી જતો હતો, ત્યારે હવે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે શાળા, આરોગ્ય કેન્દ્ર અને બજાર સુધી પહોંચવું વધુ સરળ બનશે.
પ્રભારીમંત્રી ભીખુસિંહજી પરમારએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ સમાન વિકાસ સુનિશ્ચિત કરવો એ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે. તેમણે નસવાડીના ધારાસભ્ય અભેસિંહ તડવીના પ્રયાસોની પણ પ્રશંસા કરી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા, તેમજ સ્થાનિક સરપંચો, પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં આ બ્રિજના લોકાર્પણથી આનંદની લાગણી છવાઈ ગઈ છે અને લોકોમાં વિકાસ પ્રત્યે આશા જન્મી છે.