AAP Sanjay singh : CBIના દરોડા પછી સંજય સિંહના ભાજપ પર આક્રમક પ્રહાર: “ગુજરાતમાં ભાજપ ડરી ગઈ છે, અત્યારે જ ગંદો ખેલ શરૂ કર્યો”
AAP Sanjay singh : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના નિવાસ પર CBIના દરોડા બાદ રાજકારણ ગરમાયું છે. FCRAની ધારાઓ હેઠળ થયેલી આ કાર્યવાહી પર AAPના સાંસદ સંજય સિંહે પ્રતિક્રિયા આપતા સીધો ભાજપ પર આક્ષેપ કર્યો છે.
CBI દ્વારા કરવામાં આવેલા આ દરોડા પર સંજય સિંહે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, “પીએમ મોદીના સંકેત પરથી CBIનો ઉપયોગ કર્યો છે. ભાજપ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે. હવે દુર્ગેશ પાઠકને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”
સંજય સિંહે દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, “એક તરફ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાની વાત કરવામાં આવે છે અને બીજી તરફ નિષ્ઠાવાન નેતાઓ પર ત્રાસ આપતી કાર્યવાહી થતી હોય છે. દિલ્હીથી લઈને પંજાબ સુધી અનેક વાર આમ આદમી પાર્ટીના નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા, હવે ગુજરાતમાં પણ એ જ નીતિ અપનાવવામાં આવી રહી છે.”
તેમણે ભારપૂર્વક ઉમેર્યું કે, “ગુજરાતમાં AAPના 5 ધારાસભ્યો છે અને ગયા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 14 ટકાથી વધુ મત મેળવ્યા હતા. દુર્ગેશ પાઠકની જમતી છબી અને કાર્યશૈલી ભાજપને અસ્વસ્થ કરી રહી છે, એટલે જ એના ઘરે દરોડા પાડીને દબાણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”
સંજય સિંહે ભાજપની સ્થિતિ અંગે કહ્યું કે, “ગુજરાતના મતદાતાઓ હવે પરિવર્તન ઈચ્છે છે. જનતાની વચ્ચે ભાજપ વિરુદ્ધ અસંતોષ વધી રહ્યો છે અને એ નિરાશામાંથી આવું હકિકતથી દુરનું પગલું ભાજપે ભર્યું છે.”
અંતે તેમણે કહ્યું કે, “જેઓ હંમેશા સત્ય માટે લડી રહ્યા છે તેઓ કોઈપણ રાજકીય દમનથી ડરતા નથી. આમ આદમી પાર્ટી લડી રહી છે અને આગળ પણ લડે એવી સંપૂર્ણ તૈયારી સાથે ઉભી છે.”