digital seva setu : ડિજિટલ સેવા સેતુથી 61 લાખથી વધુ નાગરિકોને લાભ: ગ્રામ્ય ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિ
digital seva setu: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ હેઠળ શરૂ થયેલી ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલને ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામીણ વિસ્તારો સુધી સફળતાપૂર્વક પહોંચાડી છે. રાજ્ય સરકારે ‘ડિજિટલ સેવા સેતુ’ પોર્ટલના માધ્યમથી અંતરિયાળ ગામોમાં પણ સરકારી સેવાઓને સરળ અને ઝડપથી નાગરિકો સુધી પહોંચાડવાની મજબૂત વ્યવસ્થા ઊભી કરી છે.
અદ્યતન ટેક્નોલોજીથી લોકોના જીવનમાં પરિવર્તન
ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક વિકસાવીને ગ્રામ્ય વિસ્તારોમાં 100 Mbps સ્પીડવાળું ઇન્ટરનેટ પહોંચાડ્યું છે. જેના પરિણામે હવે ગ્રામ પંચાયત કચેરીઓમાંથી માત્ર ₹20ની ફી સાથે આવક દાખલો, જાતિ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રીમી લેયર અને રાશન કાર્ડ સુધારાની સેવાઓ સરળતાથી મળી રહી છે.
ડિજિટલ સેવા સેતુ: સસ્તી, ઝડપી અને પારદર્શક સેવાઓ
2020ના ઓક્ટોબરથી શરૂ થયેલી આ પહેલ હેઠળ હવે નાગરિકોને તાલુકા કે જિલ્લા કચેરી જવાની જરૂર રહેતી નથી. તેમને તેમની જ ગામની પંચાયતમાંથી સસ્તા દરે જરૂરી દસ્તાવેજો મળી રહ્યા છે. રાજ્યભરના 248 તાલુકાની અંદરના 14,112 ગ્રામ પંચાયતોમાં આ સેવા ઉપલબ્ધ છે.
આંકડાઓમાં સફળતા: 2 વર્ષમાં 61 લાખથી વધુ લાભાર્થીઓ
છેલ્લાં બે વર્ષ દરમિયાન, ડિજિટલ સેવા સેતુ પોર્ટલ દ્વારા 61 લાખથી વધુ નાગરિકોએ વિવિધ સેવાઓ મેળવી છે. વર્ષ 2023-24માં 27,13,079 અને વર્ષ 2024-25માં 34,99,261 નાગરિકોએ આ સેવાનો લાભ લીધો છે.
કુલ 321 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ
હાલમાં પોર્ટલ પર કુલ 321 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની 18 સેવાઓ ટૂંક સમયમાં ઉમેરાવાની તૈયારીમાં છે.
નવો યુગ: સમય, પૈસા અને પુરાવાની બચત સાથે રોજગારીની તક
આ પહેલ માત્ર સેવાઓ સુધી સીમિત નથી રહી, પણ તેનું અમલ પણ રોજગારીના નવા દરવાજા ખોલી રહ્યું છે. ગામના સ્તરે VCE (ગ્રામ્ય કમ્પ્યુટર ઉદ્યોગસાહસિકો) તરીકે કાર્યરત યુવાનોને નવી રોજગારી મળી છે, જે સ્થાનિક સ્તરે ટેક્નોલોજી આધારિત વિકાસ તરફ દોરી રહી છે.
ડિજિટલ સેવા સેતુ ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિ માટેનો એક મજબૂત આધારસ્તંભ બની રહ્યો છે, જે દરેક નાગરિક સુધી સરકારી સેવા સરળતાથી પહોંચાડવાનું લક્ષ્ય સિદ્ધ કરી રહ્યો છે.