Robert vadra : ‘જમીન કૌભાંડ’ મામલો ફરી ચર્ચામાં: રોબર્ટ વાડ્રાની EDમાં 6 કલાક પૂછપરછ, આવતીકાલે ફરી હાજર થવાનું સમન્સ
Robert vadra : હરિયાણાની ચર્ચાસ્પદ જમીન ડીલ કેસમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા પાસેથી ઈનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. EDએ તેમને બુધવારે ફરીથી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.
રોબર્ટ વાડ્રા સવારે 11 વાગ્યે દિલ્હીમાં આવેલી ED ઓફિસે પહોંચ્યા હતા અને સાંજે 6 વાગ્યા બાદ ત્યાંથી નીકળી ગયા હતા. નોંધપાત્ર વાત એ છે કે તેઓ મધ્ય દિલ્હી ખાતે પોતાના નિવાસસ્થાનથી પગપાળા 2 કિમી દૂર સ્થિત એજન્સીની ઓફિસ સુધી ચાલીને ગયા હતા.
રસ્તામાં મીડિયા સાથે વાતચીત કરતાં વાડ્રાએ આ કેસને લઈને ભાજપ પર રાજકીય બદલાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “આ કેસ લગભગ 20 વર્ષ જૂનો છે, જ્યારે પણ હું રાજકારણમાં પ્રવેશનો સંકેત આપું છું કે સરકારની નીતિઓ અંગે અવાજ ઉઠાવું છું, ત્યારે મને ટાર્ગેટ કરવામાં આવે છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવે છે.”
વાડ્રાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ અત્યાર સુધી 15 વાર તપાસ માટે હાજર રહી ચૂક્યા છે અને લગભગ 23,000 દસ્તાવેજો રજૂ કરી ચૂક્યા છે. તેમ છતાં દર અઠવાડિયે નવા દસ્તાવેજોની માગ કરવામાં આવે છે, જેને તેમણે “અન્યાયસૂચક પ્રક્રિયા” ગણાવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, “હું બધા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું પરંતુ હવે આ મામલો યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચવો જોઈએ.”
શું છે સમગ્ર કેસ?
આ કેસ 2007માં સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુરુગ્રામ ખાતે ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 3.5 એકર જમીન 7.5 કરોડમાં ખરીદવાની ડીલથી સંબંધિત છે. રોબર્ટ વાડ્રા આ કંપનીના ડિરેક્ટર હતા. ચાર વર્ષ બાદ જ્યારે બિલ્ડિંગ મંજૂરી મળી ત્યારે આ જમીન DLF કંપનીને 58 કરોડમાં વેચી દેવામાં આવી હતી.
IAS અધિકારી અશોક ખેમકાએ આ સોદામાં ગેરવહીવટની સંભાવના વ્યક્ત કરી હતી અને તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, ભાજપે આ મામલાને ભ્રષ્ટાચાર સાથે જોડીને કોંગ્રેસ સરકાર સામે હુમલો કર્યો હતો અને આરોપ લગાવ્યો કે ખેડૂતોની જમીન રોબર્ટ વાડ્રાને ફાયદો થવાના હેતુથી અપાઈ હતી.