US: ટ્રમ્પનો મોટો નિર્ણય,ચીન પર ભારે ટેક્સ, 75 દેશોને 90 દિવસની છૂટ
US: વૈશ્વિક વેપાર નીતિમાં મોટો ફેરફાર કરીને, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાય મોટાભાગના દેશો પર લાદવામાં આવેલા ટેરિફ (આયાત ડ્યુટી) ને 90 દિવસ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારત સહિત 75 થી વધુ દેશોને કામચલાઉ રાહત મળી છે, જ્યારે ચીન પર ટેરિફ દર 104% થી વધારીને 125% કરવામાં આવ્યો છે.
ભારત સહિત 75 દેશોને રાહત મળી
ટ્રમ્પે કહ્યું કે જે દેશોએ વેપાર વાટાઘાટોમાં અમેરિકા સાથે સહયોગ કર્યો અને બદલો ન લીધો તેમને 90 દિવસ માટે ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ફક્ત 10% ના દરે મર્યાદિત ‘પારસ્પરિક ટેરિફ’ લાગુ થશે.
ચીન સામે કડક વલણ
તે જ સમયે, ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન સામે ખૂબ જ કડક પગલું ભર્યું છે અને ૧૨૫% નો ભારે ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું,
“ચીને વર્ષોથી યુનાઇટેડ સ્ટેટ્સ અને બાકીના વિશ્વનું શોષણ કર્યું છે. તે સમય પૂરો થઈ ગયો છે.”
તેમણે વધુમાં કહ્યું કે ચીન સોદો કરવા માંગે છે, પણ તેને ખબર નથી કે કેવી રીતે.
અચાનક લીધેલા નિર્ણય પાછળનું કારણ શું છે?
અહેવાલ મુજબ, ટ્રમ્પે આ નિર્ણય યુએસ બોન્ડ માર્કેટમાં તાજેતરના ઘટાડા અને ટ્રેઝરી વિભાગની ચેતવણી બાદ લીધો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ટ્રમ્પને પરિસ્થિતિની ગંભીરતાથી વાકેફ કર્યા, ત્યારબાદ તેમણે તાત્કાલિક અસરથી ટેરિફ બંધ કરવાનો નિર્ણય લીધો.
અમેરિકન બજારોમાં જોવા મળી અસર
- આ જાહેરાત પછી, અમેરિકન શેરબજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો.
- ડાઉ જોન્સ 2,500 પોઈન્ટ વધ્યો
- નાસ્ડેકમાં ૧૨.૨% નો ઐતિહાસિક ઉછાળો નોંધાયો (૨૪ વર્ષમાં સૌથી વધુ)
- S&P 500 ઇન્ડેક્સ 6% વધીને 5,281.44 પર પહોંચ્યો
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4%નો વધારો
- અમેરિકન ડોલર પણ મજબૂત થયો
ભારત માટે તેનો શું અર્થ છે?
ભારત પર અગાઉ લાદવામાં આવેલા 26% ટેરિફને કારણે ભારતીય બજારો દબાણ હેઠળ હતા. હવે 90 દિવસની છૂટથી ભારતીય અર્થતંત્ર અને શેરબજારને રાહત મળવાની અપેક્ષા છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે,
“ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટો ચાલી રહી છે, અને અમે તેને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવા માંગીએ છીએ.”