RBI: RBIની જાહેરાત પહેલા શેરબજારમાં ઘટાડો, નિફ્ટી 22450 ની નીચે ગયો, સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો
RBI : ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો છે. બુધવારે સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી 22450 ની નીચે ખુલ્યો છે. આના એક દિવસ પહેલા, મંગળવારે સ્થાનિક શેરબજારે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી ચાલુ રહેલા ઘટાડાને અટકાવ્યો અને BSE સેન્સેક્સ 1,089 પોઈન્ટ વધ્યો, જ્યારે NSE નિફ્ટી 374 પોઈન્ટ વધ્યો. એશિયન અને યુરોપિયન બજારોમાં મજબૂતાઈ વચ્ચે નીચા સ્તરે સર્વાંગી ખરીદીને કારણે બજાર લીલા રંગમાં રહ્યું. એક દિવસ પહેલા, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં 10 મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 30 શેરો વાળા BSE સેન્સેક્સ 1,089.18 પોઈન્ટ અથવા 1.49 ટકાના વધારા સાથે 74,227.08 પર બંધ થયા.
ટ્રેડિંગ દરમિયાન એક સમયે, તે 1,721.49 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. સેન્સેક્સના 29 શેર નફામાં હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૩૭૪.૨૫ પોઈન્ટ એટલે કે ૧.૬૯ ટકાના વધારા સાથે ૨૨,૫૩૫.૮૫ પોઈન્ટ પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન તે 535.6 પોઈન્ટ સુધી વધી ગયો હતો.
સોમવારે, યુએસના પ્રતિશોધાત્મક ટેરિફની ચિંતા વચ્ચે સેન્સેક્સ 2,226.79 પોઈન્ટ અથવા 2.95 ટકા ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી 742.85 પોઈન્ટ અથવા 3.24 ટકા ઘટ્યો હતો. છેલ્લા 10 મહિનામાં આ એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. મહેતા ઇક્વિટીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે, “સકારાત્મક વૈશ્વિક ભાવનાને કારણે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોમાં સારો વધારો થયો છે. મોટાભાગના દેશો પડકારોને દૂર કરવા માટે ઉકેલો શોધી કાઢશે તે હકીકત દ્વારા યુએસ ટેરિફ અંગેની ચિંતાઓ કંઈક અંશે ઓછી થઈ છે.”
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કરવામાં આવ્યા બાદથી અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ સતત વધી રહ્યો છે. આનાથી વૈશ્વિક બજાર પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. બજાર તૂટી રહ્યું હોય તેવું લાગે છે. ડાઉ જોન્સમાં લગભગ 2000 પોઈન્ટનો મોટો ઘટાડો થયો છે. જ્યારે નાસ્ડેક પણ 2.5% ઘટ્યો છે.
અહીં, અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ એ હદે વધી ગયો છે કે વ્હાઇટ હાઉસે 9 એપ્રિલથી ચીનથી આયાત થતા માલ પર 107 ટકા વધારાનો ટેરિફ લગાવવાની વાત પણ કરી છે. અમેરિકાએ આવા કડક પગલાની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ચીને યુએસ માલ પર 34 ટકા પ્રતિશોધક ડ્યુટી દૂર કરવાનો ઇનકાર કરી દીધો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદ્યા બાદ સોમવારે એશિયન શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. સોમવારે શાંઘાઈથી ટોક્યો અને સિડનીથી હોંગકોંગ સુધી, સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શેરબજાર એવા સ્તરે ગગડી ગયું જે દાયકાઓમાં ક્યારેય જોવા મળ્યું ન હતું.