Waqf Act : વક્ફ કાયદો આજથી લાગુ : પશ્ચિમ બંગાળમાં હિંસા, પથ્થરમારો અને આગચંપી
Waqf Act : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં મંગળવારે વક્ફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન હાથ ધર્યું. પોલીસને રોકવાનો પ્રયાસ કરતા હુમલાખોરો હિંસક બની ગયા અને પોલીસ પર પથ્થરમારો કર્યો. સ્થિતિ ઉગ્ર બનતાં પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડવા પડ્યા.
જંગીપુર વિસ્તારમાં પ્રદર્શન દરમિયાન ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી જેમાં પોલીસ વાહનો પણ સામેલ હતા. ઘટનામાં અનેક પોલીસકર્મીઓ સહિત કેટલાક સ્થાનિક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
કાયદાના અમલ સામે સજ્જ વિરોધઃ AIMPLB સહિત સંગઠનો સામે આવ્યા
કેન્દ્ર સરકારે તાજેતરમાં પસાર કરેલા વક્ફ સુધારા કાયદાને લઈને મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે 11 એપ્રિલથી દેશવ્યાપી વિરોધ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. બોર્ડના જણાવ્યા મુજબ વક્ફ કાયદામાં થયેલા સુધારા ઇસ્લામિક મૂલ્યો અને ધાર્મિક સ્વતંત્રતા પર સીધો હુમલો છે.
સંસદે મંજૂરી આપ્યા બાદ દેશભરમાં વિવાદ
2 એપ્રિલે લોકસભા અને 3 એપ્રિલે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ પસાર થયું હતું. 5 એપ્રિલે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેનો ગેઝેટ નોટિફિકેશન પણ જાહેર કરાયો. કાયદા મુજબ વક્ફ મિલકતો પરના દુરુપયોગ અને અતિક્રમણને રોકવાનો સરકારનો દાવો છે, પરંતુ વિરોધ પક્ષો અને સમુદાયના નેતાઓ કાયદાને મૌલિક અધિકારો વિરુદ્ધ ગણાવે છે.
સુપ્રીમ કોર્ટમાં 12 અરજી, તાત્કાલિક સુનાવણીની માંગ
નવા કાયદાની બંધારણિકતાને લઈને સુપ્રીમ કોર્ટમાં કુલ 12 અરજી દાખલ થઈ છે. જમિયત ઉલેમા-એ-હિંદના વકીલ કપિલ સિબ્બલે તાત્કાલિક સુનાવણીની માંગ ઉઠાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ અરજીઓનું સૂચિબદ્ધ કરીને આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પણ તણાવ
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પણ વક્ફ કાયદાને લઈને ભારે હોબાળો જોવા મળ્યો. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો અને ભાજપ વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો. આ અગાઉ એનસીના ધારાસભ્યે ગૃહમાં બિલની નકલ ફાડી નાખી હતી.
મણિપુરમાં ભાજપ નેતાનું ઘર સળગાવાયું
મણિપુરના થૌબલ જિલ્લામાં નવા કાયદાનું સમર્થન કરવા બદલ એક ભાજપ નેતાના ઘરને પણ ટોળાએ આગ ચાંપી હતી. ઘટનામાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
વિરોધ પક્ષોના પ્રતિક્રિયા
રાહુલ ગાંધી: વક્ફ કાયદો માત્ર મુસ્લિમો જ નહીં, ભવિષ્યમાં અન્ય સમુદાયોને પણ નિશાન બનાવવા માટેનો રસ્તો ખુલ્લો કરે છે.
મલ્લિકાર્જુન ખડગે: વક્ફ જમીન કયા હેતુ માટે વપરાશે તે સ્પષ્ટ નથી, સરકારએ આ કાયદો પાછો ખેંચવો જોઈએ.
મહેબૂબા મુફ્તી: આ કાયદાને લાદવો માનવાધિકારોના ભંગ જેવો છે.
રુહુલ્લાહ મેહદી: વક્ફ કાયદો પસાર કરીને ભાજપ અને RSSએ પોતાના લઘુમતી વિરોધી અભિગમને સાબિત કર્યો છે.