Waqf Amendment Bill વક્ફ સુધારા બિલ પર JDUમાં બળવો, પાંચ નેતાઓએ રાજીનામું આપ્યું
Waqf Amendment Bill કેન્દ્રની ભાજપ સરકારે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ પસાર થવાને “ઐતિહાસિક” ગણાવ્યું હતું, પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી, જનતા દળ (યુનાઇટેડ) પર તેની નોંધપાત્ર અસર પડી છે.
આ બિલને પાર્ટીના સમર્થન સાથે અસંમતિ વ્યક્ત કરતા JDUના પાંચ વરિષ્ઠ નેતાઓએ રાજીનામું આપી દીધું છે. તાજેતરનું નામ નદીન અખ્તરનું છે, જેમણે પાર્ટી છોડનારા નેતાઓની યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. તેમના પહેલા, રજ્જુ નૈયર, તબરેઝ સિદ્દીકી અલીગ, મોહમ્મદ શાહનવાઝ મલિક અને મોહમ્મદ કાસિમ અંસારીએ પાર્ટી સાથે સંબંધો તોડી નાખ્યા હતા.
રજ્જુ નય્યરે પોતાના રાજીનામામાં લખ્યું છે કે, “મુસ્લિમ સમુદાયને દબાવતા આ કાળા કાયદાને JDUના સમર્થનથી મને ખૂબ જ દુઃખ થયું છે. હું JDU યુવાના ભૂતપૂર્વ રાજ્ય સચિવ પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું.” તેમણે એમ પણ કહ્યું કે તેમનું રાજીનામું મુખ્યમંત્રી નીતિશ કુમારને મોકલી આપવામાં આવ્યું છે.
તબરેઝ સિદ્દીકીએ નીતિશ કુમારને લખેલા પત્રમાં કહ્યું, “પાર્ટીએ મુસ્લિમ સમુદાયનો વિશ્વાસ તોડી નાખ્યો છે.”
મોહમ્મદ શાહનવાઝ મલિકે લખ્યું, “અમે માનતા હતા કે તમે એક ધર્મનિરપેક્ષ વિચારધારાના પ્રતીક છો, પરંતુ હવે આ વિશ્વાસ તૂટી ગયો છે.” જ્યારે મોહમ્મદ કાસિમ અન્સારીએ કહ્યું, “આ બિલ લાખો મુસ્લિમોની લાગણીઓને ખૂબ ઠેસ પહોંચાડે છે.”
આ રાજીનામા ફક્ત પાર્ટીમાં આંતરિક ઝઘડાને જ દર્શાવે છે, પરંતુ ઓક્ટોબર-નવેમ્બરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની સંભાવના છે ત્યારે JDU માટે આ એક મોટો આંચકો પણ છે.
ઉલ્લેખનીય છે કે વક્ફ સુધારા બિલ શુક્રવારે રાજ્યસભામાં ૧૨૮ મતોના સમર્થનમાં અને ૯૫ મતોના વિરોધમાં પસાર થયું હતું. વિપક્ષે આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે, અને તેને “મુસ્લિમ વિરોધી” અને “અસંવૈધાનિક” ગણાવ્યું છે. કોંગ્રેસ અને AIMIM એ આની વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે.