Bangladesh: શેખ હસીના સહિત 73 લોકો પર બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધ શરૂ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ, ‘જોય બાંગ્લા બ્રિગેડ’ વિરુદ્ધ FIR દાખલ
Bangladesh: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ વધુ એક ગંભીર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસ ઢાકાના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કર્યો છે. શેખ હસીના ઉપરાંત, 72 અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ બધા પર બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધ ભડકાવવા અને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને ઉથલાવી પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
CID એ કેસ નોંધ્યો
બાંગ્લાદેશ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ 19 ડિસેમ્બર, 2024 ના રોજ યોજાયેલી એક ઓનલાઈન મીટિંગ બાદ કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે મીટિંગમાં હાજર લોકોએ “જોય બાંગ્લા બ્રિગેડ” નામનું સંગઠન બનાવ્યું હતું. આ સંગઠન દ્વારા ગૃહયુદ્ધ ભડકાવવા અને શેખ હસીનાને ફરીથી સત્તામાં લાવવાની યોજના બનાવવામાં આવી હતી.
આ બેઠકમાં 577 લોકો હાજર રહ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અને વિદેશના કુલ 577 લોકો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ મીટિંગનું આયોજન આવામી લીગના યુએસ ચેપ્ટરના ઉપપ્રમુખ આલમ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમને આ કેસમાં બીજા આરોપી બનાવવામાં આવ્યા છે. બેઠકમાં પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે કાયદેસર સરકારને શાંતિથી કામ કરવા દેવામાં આવશે નહીં.
હસીના વિરુદ્ધ 100 થી વધુ કેસ
2024 માં હિંસક વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવું પડ્યું હતું, અને ત્યારથી તેઓ ભારતમાં રહે છે. સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા બાદ, શેખ હસીના વિરુદ્ધ સામૂહિક હત્યા અને ભ્રષ્ટાચાર સહિત 100 થી વધુ કેસ નોંધાયા છે. ઘણા અવામી લીગ નેતાઓ સામે પણ કેસ નોંધાયા છે, અને ઘણા નેતાઓએ વિદેશમાં આશરો લીધો છે. શેખ હસીનાની સત્તાના પતન પછી, મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારનો હવાલો સંભાળ્યો.