Innocent Friendship Viral Video: નિર્દોષ મિત્રતા, નિશ્કા અને કુણાલની હૃદયસ્પર્શી કહાણી
Innocent Friendship Viral Video: ગોવાના બે સ્કૂલના બાળકો, નિશ્કા અને કુણાલ,ની અદભૂત મિત્રતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સિદ્ધેશ લોકરે (@sidiously_) દ્વારા શેર કરાયેલ આ હૃદયસ્પર્શી ક્લિપે અનેક લોકોના દિલ જીતી લીધા છે.
સિદ્ધેશે આ બે બાળકોનો પરિચય કરાવ્યો, જે સેન્ટ જોન ઓફ ધ ક્રોસ સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યાં અનાથ અને ત્યજી દેવાયેલા બાળકોને આશરો અને શિક્ષણ મળે છે. કુણાલ માટે, જેના જીવનમાં દુઃખદ અતિત છે, નિશ્કા એક મજબૂત આધાર બની છે.
વિડિયોમાં, સિદ્ધેશ કુણાલને પૂછે છે, “શું તે તારી બેસ્ટ ફ્રેન્ડ છે?” થોડું અચકાઈને તે “હમ્મ” કહે છે અને બંને હસી પડે છે. જ્યારે પૂછવામાં આવે કે શું વધુ મહત્વનું છે – પ્રેમ કે મિત્રતા, તો બંને તરત જ જવાબ આપે છે, “મિત્રતા!”
View this post on Instagram
સિદ્ધેશે કઠિન પ્રશ્ન પૂછ્યો, “જો એક હોડીમાં 1 કરોડ રૂપિયા હોય અને બીજી હોડીમાં નિશ્કા હોય, તો તું કઈ બચાવશે?” કોઈ વિલંબ વિના, કુણાલ જવાબ આપે છે, “નિશ્કાની હોડી.” તે બંને એકબીજાને ગળે લગાવે છે અને હંમેશા સાથે રહેવાનું વચન આપે છે. નિશ્કાએ કહ્યું કે તે દર વર્ષે કુણાલને રાખડી બાંધશે, અને કુણાલે તેને ભેટમાં ઢીંગલી આપવાનું વચન આપ્યું.
જ્યારે સિદ્ધેશ પુછે છે, “ખુશ રહેવા માટે શું કરવું જોઈએ?” તો કુણાલ નિર્દોષતા સાથે જવાબ આપે છે, “નિશ્કા સાથે હસવું જોઈએ.” આ જવાબે અનેક લોકોના દિલ જીતી લીધા. એક યુઝરે લખ્યું, “આ બાળકો પ્રેમ અને મિત્રતાનો સાચો અર્થ સમજાવે છે.”
નિશ્કા અને કુણાલની આ નિષ્ઠાવાન દોસ્તી સાચા સ્નેહનું ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે જીવનની સાચી ખુશી સીધા અને સરળ સંબંધોમાં જ હોય છે.