Israel ઇઝરાયલે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન શરુ કર્યું, અનેક વિસ્તારો કબજે કર્યા, મોટી સખ્યામાં નાગરિકોનાં મોત
Israel બે મહિનાના યુદ્ધવિરામ કરારનો ભંગ કરીને, ઇઝરાયલે પહેલા હવાઈ હુમલા કર્યા અને હવે ગ્રાઉન્ટ લેવલે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ઇઝરાયલી સેનાએ ગાઝાના મધ્ય અને દક્ષિણ ભાગોમાં “લક્ષ્યાંકિત ભૂમિ કાર્યવાહી” હાથ ધરીને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારો પર આંશિક નિયંત્રણ સ્થાપિત કર્યું છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ બુધવારે જણાવ્યું હતું કે તેની સેનાએ મધ્ય અને દક્ષિણ ગાઝામાં સુરક્ષા ક્ષેત્રને વિસ્તૃત કરવા અને ઉત્તર અને દક્ષિણ ગાઝા વચ્ચે બફર ઝોન બનાવવા માટે એક ખાસ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. IDF અનુસાર, આ ઓપરેશન હેઠળ ઇઝરાયેલી સેનાએ નેત્ઝારિમ કોરિડોરના કેન્દ્ર પર પોતાની પકડ મજબૂત કરી છે.
ઇઝરાયલી સૈન્યએ એમ પણ કહ્યું કે આ ગ્રાઉન્ડ ઓપરેશનની સાથે, ગોલાની બ્રિગેડને સધર્ન કમાન્ડ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. સેનાનું કહેવું છે કે તે ઇઝરાયલી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી ચાલુ રાખશે.
ઇઝરાયલી સંરક્ષણ પ્રધાનની ગાઝાના રહેવાસીઓને ચેતવણી
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે ગાઝાના રહેવાસીઓને કડક સંદેશ આપતા કહ્યું કે આ તેમની “છેલ્લી ચેતવણી” છે. તેમણે કહ્યું કે ગાઝાના લોકોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહનું પાલન કરવું જોઈએ અને ઇઝરાયલી બંધકોને પરત કરવા જોઈએ. તે જ સમયે, તેમણે કહ્યું કે જો ગાઝામાંથી હમાસને દૂર કરવામાં આવે તો ત્યાંના લોકો માટે અન્ય દેશોમાં જવાના રસ્તા ખુલી શકે છે.
ઇઝરાયલે ગાઝામાં કાર્યવાહી વધુ તીવ્ર બનાવી
મંગળવારે ઇઝરાયલે ગાઝા પર તીવ્ર હવાઈ હુમલા કર્યા અને પછી જમીની કાર્યવાહી શરૂ કરી. આ હુમલાઓ પછી ઓછામાં ઓછા 436 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં 183 બાળકો અને 94 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 678 લોકો ઘાયલ થયા છે.
જોકે ઇઝરાયલ દાવો કરે છે કે તેના હુમલા ફક્ત આતંકવાદીઓ સામે છે, પરંતુ ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં મોટી સંખ્યામાં નાગરિકો પણ માર્યા જઈ રહ્યા છે.