Adani Group: ધારાવી પ્રોજેક્ટ બંધ નહીં થાય! દુબઈની કંપનીને સુપ્રીમ કોર્ટનો આંચકો, અદાણી ગ્રુપને રાહત મળી
Adani Group: સુપ્રીમ કોર્ટે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. ઉપરાંત, બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પણ સમર્થન આપવામાં આવ્યું છે. આનાથી અદાણી ગ્રુપને મોટી રાહત મળી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટનો ફેંસલો દુબઈ સ્થિત સેકલિંક ટેક્નોલોજીસ કોર્પ દ્વારા મહારાષ્ટ્ર સરકારના પ્રોજેક્ટને અદાણી પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડને આપવાના નિર્ણયને પડકારતી અરજી પર આવ્યો હતો.
સેકલિંક ટેક્નોલોજીસે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેની બોલી અદાણી ગ્રુપ કરતા સારી હતી અને તેથી, તેને પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મળવો જોઈતો હતો. અગાઉ, બોમ્બે હાઈકોર્ટે પણ ડિસેમ્બર 2024 માં કંપનીની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બિડર્સની પસંદગી કરવાનો સરકારનો પોતાનો અધિકાર છે અને સેકલિંકની અરજીનો કોઈ નક્કર આધાર નથી.
અદાણી ગ્રુપ મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને ધારાવી ઝૂંપડપટ્ટીનો પુનર્વિકાસ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ, 296 એકરના ગીચ વસ્તીવાળા વિસ્તારને આધુનિક શહેર તરીકે વિકસાવવામાં આવશે. ધારાવી પ્રોજેક્ટ અદાણી ગ્રુપને આપવા સામે વિપક્ષી નેતાઓ સતત વિરોધ કરી રહ્યા છે અને આ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી રહ્યા છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની ગ્રુપ કંપની અદાણી પ્રોપર્ટીઝે 2022 ના અંતમાં ધારાવીના પુનઃવિકાસ માટે સરકારી કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ માટે અદાણીની કંપની ઉપરાંત, રિયલ્ટી કંપનીઓ DLF અને નમન ડેવલપર્સે પણ બોલી લગાવી હતી. પરંતુ ટેન્ડર અદાણી પ્રોપર્ટીઝે જીતી લીધું. 20 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં, મુખ્યત્વે સેંકડો એકરમાં ફેલાયેલા ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારનું પુનર્નિર્માણ કરવામાં આવશે.