Gandhinagar: રાજ્ય સરકાર અને DEO નિષ્ક્રીય, CBSE બોર્ડની અચાનક રેડથી ગુજરાતની નામાંકિત સ્કૂલોની માન્યતા રદ્દ
Gandhinagar: ગુજરાતમાં શૈક્ષણિક ગોટાળાનો મોટો પર્દાફાશ થયો છે. CBSE બોર્ડે અજમેરથી આવીને ગુજરાતની 14 શાળાઓમાં ચકાસણી કરી હતી, જેમાં ડમી વિદ્યાર્થીઓ નોંધાયેલા હોવાની વિગતો બહાર આવી છે. આ ગેરરીતિઓ સામે સખત પગલાં લેતા CBSE બોર્ડે આ શાળાઓની માન્યતા રદ્દ કરી છે. ઉપરાંત, અમદાવાદની 4 સ્કૂલોનું CBSE એફિલિએશન પણ રદ્દ કરવામાં આવ્યું છે.
આ શાળાઓ પર પડી CBSE બોર્ડની આફત
CBSE બોર્ડ દ્વારા કરાયેલી તપાસમાં અમદાવાદની ન્યૂ તુલીપ સ્કૂલ, નિર્માણ સ્કૂલ, DPS હીરાપુર અને DLA એકેડમી ઓફ લિટલ પીપલ સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓ હોવાનો ખુલાસો થયો છે. ગેરહાજર વિદ્યાર્થીઓની ખોટી નોંધણી કરવાના કારણે આ સ્કૂલોની માન્યતા રદ્દ કરવામાં આવી છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળની પ્રતિક્રિયા
રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે CBSE બોર્ડની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, “અમે રાજ્ય સરકારને વારંવાર ડમી શાળાઓ પર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. DEO અને રાજ્ય સરકાર આ મામલે ઊંઘતા રહ્યા, અને હવે CBSE બોર્ડે ગુજરાતમાં આવીને ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં હજુ પણ અનેક શાળાઓ છે, જ્યાં ડમી વિદ્યાર્થીઓ દાખલ કરવામાં આવ્યા છે. તેથી CBSE બોર્ડની જેમ રાજ્ય સરકારે પણ તાત્કાલિક તપાસ કરીને કડક પગલાં ભરવા જોઈએ.