Gujarat Weather માથે બરફનાં ચોસલા મૂકવા થઈ જાઓ તૈયાર: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વધશે પારો
Gujarat Weather હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધવાની શક્યતાને પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી, સુરતમાં 36.4 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 35.65 ડિગ્રી, ભુજમાં 35.5 ડિગ્રી, અમરેલીમાં 34.6 ડિગ્રી અને વડોદરા-ભાવનગર અને ગાંધીનગરમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
માર્ચમાં હવામાન બદલાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચની શરૂઆતમાં હવામાનમાં ફરી ફેરફાર થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના શહેરોમાં વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં દેખાવા લાગી છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હળવોથી ભારે વરસાદ પડશે. જેના કારણે હવામાનમાં થોડો ફેરફાર જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં વરસાદનો અભાવ છે. 26 ફેબ્રુઆરી, બુધવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી હતું. IMDની આગાહી અનુસાર, 27 ફેબ્રુઆરીએ તાપમાન 36 રહેશે. લઘુત્તમમાં એક ડિગ્રીનો ઘટાડો થશે. આગામી દિવસોમાં પણ તાપમાન 36 ડિગ્રી રહેશે. આ સમયગાળા દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે.
શિવરાત્રીથી ઉનાળો શરૂ
ગુજરાતમાં સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત મહાશિવરાત્રિના તહેવારથી થાય છે. હવામાન વિભાગે પણ આ અંગે સંકેત આપ્યા છે. હવામાન વિભાગે ગુજરાતની દરિયાઈ સરહદ માટે યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તાર માટે ચેતવણી જારી કરવામાં આવી છે. આમાં હવામાન વિભાગે કહ્યું છે કે લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેની દૈનિક હવામાન આગાહીમાં આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી ત્રણ દિવસ એટલે કે 27 ફેબ્રુઆરી સુધી ગરમ અને ભેજવાળી સ્થિતિની ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં સામાન્ય રીતે ઉત્તરાયણથી સૂર્યની દિશા બદલાવાને કારણે હવામાન બદલાવા લાગે છે.