Maharashtra Politics: ઉદ્ધવ સેનાએ ‘દેવા ભાઉ’ના કર્યા વખાણ, સામનામાં કરી ભરપેટ પ્રશંસા, સંજય રાઉતનાં પણ મીઠા બોલ
Maharashtra Politics મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની વહીવટી કડકતાની હવે શિવસેના (UBT)ના મુખપત્ર ‘સામના’માં પણ પ્રશંસા કરવામાં આવી છે. અગાઉ, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નેતા સંજય રાઉતે ફડણવીસના શાસનની પ્રશંસા કરી હતી. આ દરમિયાન રાઉતે તત્કાલીન એકનાથ શિંદે સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને નિશાન સાધ્યું હતું.
Maharashtra Politics પત્રકારો સાથે વાત કરતા શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, “હું સીએમ ફડણવીસના નિર્ણયને આવકારું છું, તેમણે પોતે કહ્યું હતું કે મંત્રીઓના કેટલાક OSD અને PA ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને આ માટે તેમણે ‘ફિક્સર્સ’ (વચેટીયાઓ) શબ્દનો ઉપયોગ કર્યો હતો. જો તેઓએ આવું કંઈક જોયું અને ભ્રષ્ટાચારને રોકવા માટે કોઈ પગલાં લીધાં, તો દરેકે તેનું સ્વાગત કરવું જોઈએ…”
બુધવારે સામનામાં પ્રકાશિત થયેલા લેખ અનુસાર, મુખ્યમંત્રી પદ સંભાળતી વખતે, ભાજપના નેતા ફડણવીસે રાજ્યમાં શિસ્ત લાવવા માટે ઘણા કડક પગલાં લીધા છે, જેનાથી શાસનમાં પારદર્શિતા વધી છે અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભ્રષ્ટાચાર ઝડપથી વધ્યો હતો, જેના કારણે વહીવટી તંત્ર ભ્રષ્ટ થઈ ગયું હતું. મુખ્યમંત્રી ફડણવીસે આ સ્થિતિ સુધારવાનો નિર્ણય કર્યો અને કડક પગલાં શરૂ કર્યા.
ફડણવીસે માત્ર ભ્રષ્ટાચાર સામે પગલાં લીધાં જ નહીં પરંતુ મંત્રીઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ પર પણ નજર રાખી હતી. મુખ્ય પ્રધાન દ્વારા લેવામાં આવેલ સૌથી મોટું પગલું એ હતું જ્યારે તેમણે પ્રધાનોને તેમના પોતાના ‘PA’ અને ‘OSD’ નિયુક્ત કરવાના અધિકારથી વંચિત રાખ્યા હતા. અગાઉ, શિંદે સરકાર દરમિયાન, ઘણા પ્રધાનો તેમના અંગત સહાયકોની નિમણૂક કરતા હતા, જેમાંથી ઘણા પર કિકબેક અને ભ્રષ્ટાચારના આરોપ હતા.
સામનામાં કહેવામાં આવ્યું છે કે ફડણવીસે ફિક્સિંગ અને બ્રોકરેજમાં સામેલ 16 નામોને સીધા જ નકારી કાઢ્યા હતા. તેમાંથી 12 નામ શિંદે જૂથના મંત્રીઓએ મોકલ્યા હતા. સવાલ એ થાય છે કે ભ્રષ્ટાચાર અને ફિક્સિંગમાં સંડોવાયેલા આવા લોકોની તેમના મંત્રીઓને જરૂર કેમ પડી? મુખ્યમંત્રીના આ નિર્ણયને વહીવટમાં પારદર્શિતા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જેનાથી વહીવટી તંત્ર ચોખ્ખું થઈ જશે.
એટલું જ નહીં, ખુદ કેટલાક મંત્રીઓએ કબૂલ્યું હતું કે, મુખ્યપ્રધાને તેમને પ્રમાણિકતાથી કામ કરવા અને ભ્રષ્ટાચારથી દૂર રહેવાની કડક સૂચના આપી છે. સામનાએ ફડણવીસના આ પ્રયાસોને મહારાષ્ટ્રમાં વહીવટી સુધારાની દિશામાં એક મોટું અને સકારાત્મક પગલું ગણાવ્યું છે.
આ કારણે થઈ રહ્યા છે વખાણ
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અને પર્સનલ આસિસ્ટન્ટ (PA)ની નિમણૂકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સોમવારે નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા, સીએમ ફડણવીસે કહ્યું કે તેમના મંત્રીઓ દ્વારા PA અને OSD માટે કુલ 125 નામોની ભલામણ કરવામાં આવી હતી, જેમાંથી 109ને મંજૂરી આપવામાં આવી હતી. બાકીના 16 નામો એટલા માટે ગુપ્ત રાખવામાં આવ્યા છે કારણ કે તેઓ કોઈને કોઈ કેસમાં તપાસ હેઠળ છે અથવા તેમની સામે કોઈ આરોપ છે.
મહાયુતિના કેટલાક મંત્રીઓએ પણ પોતાની પસંદગીનો સ્ટાફ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ સીએમ ફડણવીસે સ્પષ્ટપણે કહ્યું છે કે, હું આવા ‘ફિક્સર’ને ક્યારેય મંજૂર નહીં કરું, પછી ભલે કોઈ ગમે તેટલો નારાજ હોય.