Gujarat Budget 2025 : બજેટમાં મોટા પાયે ભરતીની જાહેરાત, ગુજરાતમાં આ વિભાગમાં 14,000થી વધુ નોકરીઓ મળશે
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે SRP, હથિયારધારી અને બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ સહિત 14,000થી વધુ પદોની ભરતી કરવામાં આવશે
રાજ્યમાં સાયબર ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે દરેક જિલ્લામાં સાયબર ફોરેનસિક લેબ સ્થાપવામાં આવશે
ગાંધીનગર, ગુરુવાર
Gujarat Budget 2025 : ગુજરાત સરકાર દ્વારા આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું, જેમાં વિવિધ વિકાસપ્રવૃત્તિઓ અને ભરતી સંબંધિત મહત્વની જાહેરાતો કરવામાં આવી.
મેડીસિટી અમદાવાદમાં ન્યુરોલોજી ઈન્સ્ટિટ્યૂટ
રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા માટે અમદાવાદમાં મેડીસિટી ખાતે ન્યુરોલોજી ઈન્સ્ટિટ્યૂટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું કે, રાજ્યની આરોગ્યસેવાઓને વધુ મજબૂત બનાવવા માટે ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ મેડીસિટી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
ખોરાક અને ઔષધ ચકાસણી માટે આધુનિક લેબોરેટરી
રાજ્યમાં ખાદ્ય પદાર્થો અને ઔષધોની ગુણવત્તાની ચકાસણી વધુ સુસંગત બનાવવા માટે અમદાવાદ-ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા અને વલસાડમાં આધુનિક લેબોરેટરી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા ફોરેનસિક લેબ
રાજ્યમાં સાયબર ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે દરેક જિલ્લામાં સાયબર ફોરેનસિક લેબ સ્થાપવામાં આવશે. ઉપરાંત, રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને ગેરકાયદેસર દવાઓની હેરફેર અટકાવવા માટે “એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ” (Anti Narcotics Task Force) ની ઓપરેશનલ યુનિટ પણ ઊભી કરવામાં આવશે. આ સંપૂર્ણ આયોજન માટે ₹352 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.]
14,000થી વધુ ભરતીની જાહેરાત
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે SRP, હથિયારધારી અને બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ સહિત 14,000થી વધુ પદોની ભરતી કરવામાં આવશે. ટ્રાફિક નિયંત્રણ માટે 1390 નવી જગ્યાઓ ઊભી કરાશે, જેથી માર્ગ સલામતી વધુ અસરકારક બને.
17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર
પર્યાવરણને સુરક્ષિત રાખવા અને હરિયાળી વધારવા માટે “એક પેડ માઁ કે નામ” અભિયાન હેઠળ રાજ્યમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પહેલને વધુ પ્રોત્સાહન આપવા માટે “હરીત વન પથ” યોજના હેઠળ ₹90 કરોડની ફાળવણી કરવામાં આવશે.
રાજ્ય પેન્શનરો માટે હયાતીની ખરાઈ હવે ઓનલાઇન
ગુજરાતમાં 5.14 લાખ પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે કચેરી કે બેંકમાં જવું પડતું હતું. હવે પેન્શનરો માટે હયાતીની ખરાઈ ઓનલાઇન અને વિનામૂલ્યે કરવાની સુવિધા શરૂ કરવામાં આવશે, જેથી તેમના માટે આ પ્રક્રિયા વધુ સુગમ બનશે.