કેરળમાં ચોમાસાના શ્રીગણેશ થયાં બાદ આજરોજ સવારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અચાનક થયેલ વરસાદને પગલે કાળઝાળ ગરમી વચ્ચે મુંબઈવાસીઓને આંશિક રાહત મળી હતી. મુંબઇના અનેક વિસ્તારમાં વરસાદ પડતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે 11 ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી.
એક તરફ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે હવે મુંબઈમા વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત ચોક્કસ મળી છે. ત્યારે આજે મોડી રાતે પણ વરસાદ પડતા મુંબઇગરાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આપને જણાવી દઇએ કે, મુંબઈના બાન્દ્રા, દાદર સહિત પરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદથી મુંબઇવાસીઓ ઝુમી ઉઠ્યા હતા.
સૂર્યદેવના આકરા પ્રકોપથી ગુજરાત પરેશાન થઇ રહ્યું છે અને વરસાદ આવવાની રાહ જોઇને લોકો બેઠા છે ત્યારે મોડી રાતે મુંબઇમાં થયેલ વરસાદ બાદ ડાયમંડ નગરી ગણાતા સુરત શહેરમાં વરસાદનું આગમન થયું હતું. શહેરના જાણીતા વેસુ VIP રોડ પર ધીમીધારે વરસાદ શરૂ થતાં આસપાસના વાતાવરણમાં ઠંડક ફેલાઇ હતી.
એક તરફ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તાપમાન 45 પહોંચ્યું છે ત્યારે સુરતમાં વરસાદની શરૂઆત થતાં ગુજરાતમાં ટૂંક સમયમાં વરસાદ થવાની આશા નાગરિકોને બંધાઇ હતી.