Kheda : ખેડા જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો પકડાયા: ડેરી અને એન્ટરપ્રાઈઝને દંડ ફટકારાયો
કઠલાલ અને કપડવંજમાં ખાદ્ય નમૂનાઓની તપાસ બાદ ગુણવત્તા ઓછા હોવાનું સામે આવ્યું
શિવશક્તિ દુગ્ધાલય અને બાલાર્ક એન્ટરપ્રાઈઝને દંડ ફટકારવામાં આવ્યો
ખેડા, સોમવાર
Kheda : ખેડા જિલ્લામાં નાગરિકોને ગુણવત્તાવાળી અને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહે, તે સુનિશ્ચિત કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ, કઠલાલ અને કપડવંજમાં કેટલાક ખાદ્ય નમૂનાઓની તપાસ કરવામાં આવી, જેમાં બે એકમોમાંથી લીધેલા નમૂનાઓ ગુણવત્તા માટે અનુકૂળ નહોતા.
કઠલાલના શિવશક્તિ દુગ્ધાલયથી લેવાયેલા મસાલા છાસના નમૂના (શિવશક્તિ બ્રાન્ડ 350 એમ.એલ પેક પાઉચ) ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના માપદંડ મુજબ નીચા સ્તરના હોવાનું જાણવા મળ્યું. તેથી, પેઢીના માલિકને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો. બીજી તરફ, કપડવંજના બાલાર્ક એન્ટરપ્રાઈઝમાંથી લેવામાં આવેલા પામ ઓઈલના નમૂના પણ માપદંડોને પૂર્ણ ન કરતા, એન્ટરપ્રાઈઝને ₹1 લાખનો દંડ કરવામાં આવ્યો.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ કાર્યવાહી દ્વારા શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.