Patan News : પાટણ શોકમગ્ન: વડાવલીમાં 4 બાળક અને માતા સહિત 5નાં ડૂબી જવાથી મોત
આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
એક બાળક તળાવમાં પડી જતા તેને બચાવવા ગયેલા અન્ય ચાર જણ પણ ડૂબી ગયા, પરિણામે તમામે જીવ ગુમાવ્યા.
પાટણ, રવિવાર
Patan News : ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં એક હ્રદયદ્રાવક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પેદા કરી છે. તળાવમાં ડૂબી જવાથી લઘુમતી સમુદાયના પાંચ લોકોના દુખદ મૃત્યુ થયાં, જેમાં એક જ પરિવારના માતા અને બે બાળકો પણ શામેલ છે. આ ઘટના બાદ આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે એક વ્યક્તિ તળાવના કિનારે લપસી ગયો, અને તેને બચાવવાનો પ્રયાસ કરતા અન્ય ચાર જણ પણ પાણીમાં સપડી ગયા. સ્થાનિક ગ્રામજનો તરત જ મદદ માટે દોડી આવ્યા અને તમામને બહાર કાઢી તાત્કાલિક ચાણસ્માની સરકારી હોસ્પિટલ લઈ ગયા, પરંતુ દુર્ભાગ્યે તમામે જીવ ગુમાવ્યો.
વડાવલીના તલાટી પરમારે ઘટનાની જાણ જિલ્લા વિકાસ અધિકારીને કરી હતી. દુઃખદ બાબત એ છે કે મૃતકોમાં એક જ પરિવારની માતા અને બે સંતાનો ઉપરાંત ગામ પંચાયત પટાવાળાના પુત્રનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર ગામને શોકમગ્ન બનાવી દીધું છે.
તલાટી અનુસાર, સાંજે લગભગ 5:30 વાગ્યે મુસ્લિમ સમાજના કેટલાક બાળકો તળાવ પાસે બકરાં ચરાવી રહ્યા હતા. તે દરમિયાન એક બાળક તળાવમાં પડી ગયો, અને તેને બચાવવા ગયેલા અન્ય ચાર જણ પણ ડૂબી ગયા, પરિણામે તમામે જીવ ગુમાવ્યા.
દુર્ઘટનામાં જીવ ગુમાવનારા:
સોહેલ રહીમભાઈ કુરેશી (ઉંમર: 14)
સિમરન સલીમભાઈ સિપાહી (ઉંમર: 12)
ફિરોઝા કાલુભાઈ મલેક (ઉંમર: 32)
અબ્દુલ કાદિર કાલુભાઈ મલેક (ઉંમર: 10)
મેહરા કાલુભાઈ મલેક (ઉંમર: 8)
પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહોને પરિવારજનોને સોપવામાં આવશે. આ દુઃખદ ઘટના ગામ માટે એક કાળા દિવસ સમાન બની છે, અને શોકમાં ડૂબાયેલા પરિવારજનોને સાંત્વના આપવા માટે અનેક લોકો એકત્ર થયા છે.