સુરતના ટ્યુશન ક્લાસિસમાં બનેલી ગોઝારી ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સફારું જાગ્યું હોય તેમ શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરવા આદેશ કર્યો છે. અમદાવાદમાં આવા પ્રકારનો આદેશ જાહેર કરાયા બાદ ગાંધીનગર અને રાજકોટમાં તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરવા કમિશનરોએ આદેશ કર્યો છે.
સુરતની ગોઝારી ઘટના બાદ અમદાવાદમાં જ્યાં સુધી અન્ય કોઈ આદેશ ન મળે ત્યાં સુધી અમદાવાદના તમામ શૈક્ષણિક ક્લાસિસ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આ આદેશ કર્યો છે. વિજય નેહરાએ જણાવ્યું કે, ગેરકાયદેસર ચાલતા તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરવામાં આવશે.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ આદેશ જાહેર કર્યો છે. અમદાવાદમાં પણ પહેલા આ પ્રકારની ઘટના બની હતી. જેને લઈને એએમસી કમિશનરે તમામ શૈક્ષણિક ટ્યુશન ક્લાસિસ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
ફાયર સેફ્ટી વગરના ક્લાસિસ બંધ કરવા આદેશ
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, રાજકોટમા ચાલતા ટયુશન કલાસીસ પૈકી જે ટ્યુશન કલાસમાં અગ્નિશમન (ફાયર સેફટી)ના સાધનો વસાવવામાં આવ્યા ના હોય તે ચાલુ રાખી શકાશે નહીં.અને હાલ તાત્કાલિક અસરથી આવા ટ્યુશન કલાસ બંધ કરાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી ફાયર સેફટીના સાધનો વસાવવામાં ના આવે ત્યાં સુધી ટ્યુશન કલાસ ચાલુ કરી નહી શકાય.
ગાંધીનગરમાં પણ ક્લાસિસ ઉપર તવાઇ
ગાંધીનગરમાં પણ બેફામ શરૂ થયેલા ટ્યુશન ક્લાસ પર તવાઈ બોલાઈ છે. ફાયર વિભાગ શનિવારે સ્પેશિયલ ડ્રાઈવ કરશે. ફાયર સેફ્ટીનું પાલન ના કરતાં એકમોને નોટિસ અપાશે. અગાઉ પણ અનેક ટ્યુશન ક્લાસને નોટિસ અપાઈ છે ગાંધીનગરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસ માં જ્યાં સુધી ફાયરસેફ્ટીની તપાસ ન થાય ત્યાં સુધી શહેરના દરેક ટ્યુશન ક્લાસીસ ને બંધ રાખવાનો ગાંધીનગર મનપા કમિશનર દ્રારા લેવાયેલો નિર્ણય લેવાયો છે.
આજનો દિવસ સુરત માટે બહુ જ ગોઝારો સાબિત થયો છે. સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે શિક્ષમ સહિત 20 વિદ્યાર્થીઓના મોત થયા છે.