Gujarat government: ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે ખરીદશે પાક, 3 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ!
તુવેર પાકના ટેકાના ભાવે વેચાણ માટે 3 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઈન નોંધણી થશે
તુવેર માટે ભારત સરકારે રૂ. 7550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો
ગાંધીનગર, બુધવાર
Gujarat government : રાજ્ય સરકારે તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ માટે કુલ 206 ખરીદી કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને તેમની મહેનતના પોષણક્ષમ ભાવ મળી રહે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તુવેર પાક વેચાણ માટે નોંધણી
તુવેર પાકના ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી 3 ફેબ્રુઆરી 2025થી 20 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે. ખેડૂતો આ નોંધણી ઈ-ગ્રામ કેન્દ્રો પરથી અથવા VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર મફતમાં કરી શકશે.
ખરીદી માટે પૂર્ણ આયોજન
અન્નદાતાઓના સપનાં થશે સાકાર, હિતકારી નિર્ણય લેતી ગુજરાત સરકાર
ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે સરકારે તૈયારી દર્શાવતા તુવેર પકવતા ખેડૂતો માટે મોટી રાહત ઊભી થઈ છે. આ વર્ષે તુવેર પાકનું વાવેતર થાય તે પહેલા જ તુવેર માટે રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. pic.twitter.com/ywOW9sKY1W
— Raghavji Patel (@RaghavjiPatel) January 29, 2025
રાજ્ય સરકારે તુવેર પાકની પુરતી ખરીદી માટે તમામ આગોતરુ આયોજન કર્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે, ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
ભારત સરકારનો ટેકો
પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ, ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે તુવેર માટે રૂ. 7550 પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જે ખેડૂતોને નિશ્ચિંત થઈને તુવેર પકવવા પ્રોત્સાહન આપે છે.
આ નિર્ણય ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ મદદરૂપ સાબિત થશે અને તેમને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ પ્રાપ્ત કરવા મદદ કરશે.