Virat Kohli: વિરાટ કોહલીની રણજી ટ્રોફીમાં વાપસી: ૧૨ વર્ષ પછી દિલ્હી તરફથી રમશે
Virat Kohli ભારતીય ક્રિકેટ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, જે છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, તે હવે રણજી ટ્રોફીમાં વાપસી કરવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, કોહલી રણજી ટ્રોફી 2025-25ના આગામી તબક્કામાં દિલ્હી તરફથી રમશે. દિલ્હીનો આગામી મુકાબલો 23 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર સામે છે, પરંતુ વિરાટ કોહલીએ ગરદનના દુખાવાના કારણે આ મેચમાં રમવાનો ઇનકાર કર્યો હતો. જોકે, તે 30 જાન્યુઆરીથી શરૂ થનારી રેલવે સામેની મેચમાં દિલ્હી તરફથી રમતા જોઈ શકાય છે.
Virat Kohli વિરાટ કોહલીએ પોતાની છેલ્લી રણજી મેચ 2012 માં રમી હતી, અને હવે 12 વર્ષ પછી તે રણજી ટ્રોફીમાં વાપસી કરવા જઈ રહ્યો છે. દિલ્હીની ટીમ હાલમાં ગ્રુપ ડીમાં ચોથા સ્થાને છે અને અત્યાર સુધીમાં 5 મેચમાંથી ફક્ત એક જ જીતી છે, જ્યારે ત્રણ મેચ ડ્રો રહી હતી અને એક હારનો સામનો કરવો પડ્યો હતો. રેલવે સામેની મેચ દિલ્હી માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, આ મેચમાં કોહલીનું રમવું દિલ્હી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
વિરાટ કોહલી હાલમાં ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તેણે 5 મેચમાં ફક્ત 190 રન બનાવ્યા હતા. ગયા વર્ષે, તેણે 19 ટેસ્ટ ઇનિંગ્સમાં 24.53 ની સરેરાશથી ફક્ત 417 રન બનાવ્યા હતા, જે તેના ધોરણોથી ઘણા ઓછા છે. આટલી ખરાબ સ્થિતિમાં હોવા છતાં, કોહલીએ પોતાની માનસિક સ્થિતિ સુધારવા માટે વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજને મળવાનું અને રાધાવલ્લભજીના દર્શન કરવાનું નક્કી કર્યું.
બીસીસીઆઈની 10 મુદ્દાની નીતિ પણ ચર્ચાનો વિષય છે, જે હેઠળ તમામ ભારતીય ખેલાડીઓ માટે સ્થાનિક ક્રિકેટ રમવું ફરજિયાત રહેશે. જોકે, BCCI એ હજુ સુધી આ નીતિની સત્તાવાર પુષ્ટિ કરી નથી. હવે બધાની નજર વિરાટ કોહલીની રણજી ટ્રોફીમાં વાપસી અને તેના પ્રદર્શન પર રહેશે કારણ કે તે તેના આગામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ સંકેત પણ હોઈ શકે છે.