Gujarat Budget 2025-26: 20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ 2025-26: જંત્રી દરમાં રાહતની શક્યતા અને વિકાસના નવા વિચારો
20મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ રાજ્યનું બજેટ 2025-26 રજૂ કરશે, જેમાં વિકાસ અને સામાજિક સુધારાના મુદ્દાઓને પ્રાથમિકતા મળશે
જંત્રી દરોમાં 50% સુધીની રાહત મળવાની આશા, ખાસ કરીને વાસ્તવિક બજાર મૂલ્યને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવાની યોજના
Gujarat Budget 2025-26: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં નાણામંત્રી કનુ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26 માટેનું રાજ્યનું બજેટ રજૂ કરશે. 40 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે અને અડધા ડઝનથી વધુ વિધેયક અથવા સુધારા વિધેયક રજૂ થવાની શક્યતા છે. બજેટ સત્રના સમાપ્ત થ્યા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સંભાવના છે.
ગયા વર્ષે નાણામંત્રી કનુ દેસાઈએ 2024-25 માટે 3 લાખ 32 હજાર 465 કરોડના અંદાજપત્રની રજૂઆત કરી હતી, જેમાં મહિલાઓ, બાળકો, કુપોષણ અને શિક્ષણ જેવા પ્રાથમિક મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
જંત્રી દરોમાં ફેરફારની રાહત શક્યતાઃ
આગામી બજેટમાં જંત્રીના દરોમાં ઘટાડાની જાહેરાત થવાની શક્યતા છે. ભૂતકાળમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરોમાં ખૂબ જ ઉંચો વધારો કરવાથી બિલ્ડર લોબી અને જમીન ખરીદનાર વર્ગમાં નારાજગી જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આ દરોમાં 50% સુધીની રાહત આપીને તેમને સામાન્ય સ્તરે લાવવા માટેની યોજનાનો વિચાર ચાલી રહ્યો છે. જ્યાં દરમાં 5થી 10 ગણા વધારો થયો હતો, ત્યાં તે ત્રીજામાં ઘટાડી શકાય છે.