Oldest Railway Station New Overbridge: રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ: ગુજરાતના જૂના સ્ટેશન માટે મુખ્યમંત્રીએ 220 કરોડના ફંડની મંજૂરી આપી
કાલુપુર-સાળગપુર રેલ્વે ઓવરબ્રિજનું 4 લેન સાથે પુનઃનિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા 220 કરોડ ફાળવાયા
108 વર્ષ જૂના કાલુપુર રેલ્વે બ્રિજ અને 83 વર્ષ જૂના સાળગપુર બ્રિજ તોડીને નવેસરથી બનાવાશે
Oldest Railway Station New Overbridge : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન કાયાકલ્પ પ્રોજેક્ટમાં સદીઓ જૂના કાલુપુર-સાળગપુર રેલ્વે ઓવરબ્રિજનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. કાલુપુર અને સાળગપુર રેલ્વે ઓવરબ્રિજ માટે ફોર લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના ૫૦ ટકા હિસ્સા તરીકે ૨૨૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
કાલુપુર-સાળગપુર રેલ્વે ઓવરબ્રિજ પહોળો કરવામાં આવશે.
અમદાવાદ રેલ્વે સ્ટેશન કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ જૂના કાલુપુર-સાળગપુર રેલ્વે ઓવરબ્રિજને ચાર-માર્ગીય બનાવવા સહિતના નવીનીકરણના કાર્યો માટે રાજ્ય સરકારના યોગદાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવ્યા છે. ૨૦૧૦ માં શરૂ કરાયેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રેલ્વે ઓવરબ્રિજને પહોળો કરવા માટે આ રકમ મંજૂર કરવામાં આવી છે.
રેલ્વે ઓવરબ્રિજ ૧૦૦ વર્ષથી વધુ જૂનો છે
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર કાલુપુર રેલ્વે ઓવર બ્રિજ ૧૦૮ વર્ષ પહેલા ૧૯૧૫માં અને સાળગપુર રેલ્વે ઓવર બ્રિજ ૮૩ વર્ષ પહેલા ૧૯૪૦માં બનાવવામાં આવ્યો હતો. હાલમાં, આ કાલુપુર રેલ્વે ઓવરબ્રિજ (મનુ ભાઈ પરમાર બ્રિજ) ત્રણ લેનનો છે અને બંને બાજુ ફૂટપાથ છે અને સાળગપુર રેલ્વે ઓવરબ્રિજ બે લેન પહોળો છે.
4 લેનનું પુનર્નિર્માણ
આ પુલોના આયુષ્ય અને સલામતી તેમજ વધતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને, બંને પુલો તોડી પાડવામાં આવશે અને રેલવે જમીન વિકાસ સત્તામંડળ દ્વારા ચાર લેનનું પુનર્નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, સીએમ ભૂપેન્દ્ર પટેલે રાધનપુર શહેર અને ભિલોટ રોડ પર હાલના રેલ્વે ક્રોસિંગ LC-100-2E પર નવા ઓવરબ્રિજના નિર્માણ માટે રૂ. 52.83 કરોડ ફાળવ્યા છે. રાધનપુર-ભિલોટ-સુઇગામને જોડતા આ રસ્તા પર મંજૂર થયેલા ઓવરબ્રિજના નિર્માણથી નાગરિકોની અવરજવર સરળ બનશે.
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના
આ ત્રણેય પુલના સંચાલન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નાણાકીય સહાય આપવાનો નિર્ણય લીધો છે. આ મુજબ, કાલુપુર રેલ્વે ઓવર બ્રિજ (મનુ પરમાર બ્રિજ) માટે ૧૦૬.૬૭ કરોડ રૂપિયા, સાળગપુર રેલ્વે ઓવર બ્રિજ માટે ૧૧૩.૨૫ કરોડ રૂપિયા અને રાધનપુર બ્રિજ માટે ૫૨.૮૩ કરોડ રૂપિયા મળીને કુલ ૨૭૨.૭૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી આ બંને શહેરોમાં કનેક્ટિવિટી સરળ બનશે, ટ્રાફિકનો ભાર ઓછો થશે અને નાગરિકોનો સમય, શક્તિ અને ઇંધણ બચશે.