Delhi Election 2025: કેજરીવાલનો આક્ષેપ, જાટ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવા મામલે મોદી સરકારે પૂરું નથી કર્યું વચન
Delhi Election 2025: આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્ર સરકાર પાસે દિલ્હીના જાટ સમુદાયને ઓબીસી યાદીમાં સામેલ કરવાની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે વડા પ્રધાને જાટ સમુદાયને આપેલું વચન પૂરું કર્યું નથી અને તેમની સાથે દગો કર્યો છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં OBC અનામતના નામે જાટ સમુદાયને નિરાશ કર્યો છે.
Delhi Election 2025 કેજરીવાલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે 2015 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાટ સમુદાયના નેતાઓને ખાતરી આપી હતી કે દિલ્હીના જાટોને કેન્દ્રની OBC યાદીમાં સામેલ કરવામાં આવશે. આ પછી, 2019 માં, ગૃહમંત્રી અમિત શાહે પણ આ જ વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી આ વચન પૂર્ણ થયું નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે રાજસ્થાનના જાટ સમુદાયના વિદ્યાર્થીઓને દિલ્હી યુનિવર્સિટીમાં અનામત મળે છે, પરંતુ દિલ્હીના જાટ સમુદાયના બાળકોને આ લાભ કેમ નથી મળી રહ્યો?
કેજરીવાલે એમ પણ કહ્યું કે દિલ્હીના જાટના નામ કેન્દ્રની ઓબીસી યાદીમાં સામેલ ન હોવાને કારણે, તેમના હજારો બાળકો દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકતા નથી. આ ઉપરાંત, જાટ સમુદાયને કેન્દ્ર સરકારની સંસ્થાઓમાં નોકરીઓ કે અન્ય લાભો મળતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ ચૂંટણી પહેલા જાટ સમુદાયને ખોટા વચનો આપે છે, પરંતુ ચૂંટણી પછી તેઓ તે ભૂલી જાય છે.
આ પત્ર દ્વારા, કેજરીવાલે વડા પ્રધાનને દિલ્હીના જાટ સમુદાય માટે OBC અનામત લાગુ કરવા અને તેમના વચનને પૂર્ણ કરવા વિનંતી કરી.